હે જી એવા કોરાં રે અષાઢ – શીવરાજ આકાશ
સ્વર/સ્વરાંકન: નયનેશ જાની
હે જી એવા કોરાં રે અષાઢ, શ્રાવણ કોરાં હો જી;
હે જી એવા મેહુલીયા વરસેને હૈયા કોરાં હો જી.
હે અમને હાંભરે મેળાને હાંભરે ફરતા એ ચકડોળ
મેળે મનડું ના લાગે ભમતો મનડાનો મોર.
હે જી તમે દૂર દેશાવાર, નથી કંઈ ઓરા હો જી,
હે જી એવા મેહુલીયા વરસેને હૈયા કોરાં હો જી.
હે જી એવા કોરાં રે અષાઢ..
હે ચિત્તડાનાં ચાતક કેરી પાંખ્યું રે કરમાતી
કુણાં રે કાળજડાં કકળે આખ્યું રાતી રાતી.
હે જી એવા યાદ લઈને આવે તારલાનાં ટોળા હો જી,
હે જી એવા મેહુલીયા વરસેને હૈયા કોરાં હો જી.
હે જી એવા કોરાં રે અષાઢ..
હે થનગનતા ઘોડલે પહોંચું હું પળવારે
જીવડો ના જંપે બેઠી પાદરને પગથારે.
હે જી મારો નાવલીયો વરસે જેમ ઘનઘોરા જી,
હે જી એવા મેહુલીયા વરસેને હૈયા કોરાં હો જી.
હે જી એવા કોરાં રે અષાઢ..
Related posts:









૮ મિનિટ લાંબા આ ગાયનમાં દરેકે દરેક શબ્દને પૂરતો ન્યાય આપવામાં આવ્યો છે. ખૂબ સુંદર રીતે ગવાયેલ અને સુંદર કાવ્ય રચના.
સાંભળવામાં મજા આવી.ગીતકાર,ગાયક અને સંગીતકાર એ સૌને અભિનંદન.
આ સુંદર કાવ્ય રચના ની સાથે સુંદર કંઠ નું મિશ્રણ સોના માં સુંગંધ ભેળવે છે.