સ્વર: કવિતા ચોક્સી
ચાંદામામા ચાંદામામા આવો મારી પાસે
નાનકડો વેદાંત બોલાવે આવો મારી પાસે
ક્યારે નાના ક્યારે મોટા અજબ ગજબના થાઓ
ક્યારેક પૂનમ તો ક્યારેક બીજનો ચંદ્રમાં કહેવાઓ
ચાંદામામા ચાંદામામા આવો મારી પાસે..
ધોળા ધોળા દૂધ જેવા મારા મામા થાઓ
શરદપૂનમની રાતે અમને રૂડો રાસ રમાડો
ચાંદામામા ચાંદામામા આવો મારી પાસે..
અંધારાને હડસેલીને અજવાળું પ્રગટાવો
શીતળતાનો ગુણ અનોખો જગ આખાને આપો
ચાંદામામા ચાંદામામા આવો મારી પાસે..
સ્વર: શ્યામલ – સૌમિલ મુન્શી
સે સોરી માય સન, સે સોરી
છ છ કલાક સ્કૂલ, ત્રણ ત્રણ કલાક ટ્યુશન,
ને તોય આ નોટ તારી કોરી, સે સોરી..
ઘસી ઘસી પીવડાવી અઢળક બદામ,
અને માથે તે ચોપડ્યું ઘી.
યાદદાસ્ત માટે શંખપુષ્પીની કંઈ
બાટલીઓ પેટમાં ભરી.
કેમે કરી યાદ રહેતું તને લેસન,
યાદ રાખે તું સીરીયલની સ્ટોરી, સે સોરી..
પંખીઓ બચ્ચાને ઉડતાં શીખવે,
માણસ બચ્ચાને આપે પિંજરું,
મમ્મી તો મોરની પ્રેક્ટીસ કરાવે,
થાય બાળકને ટહુકા ચીતરું.
મમ્મી ક્યાં જાણે કે કોઈ નોટબુકમાં
બાળક લાવ્યું છે આભ આખું દોરી, સે સોરી..
તારે હો ઊંઘવું ને ત્યારે જગાડું
ને જાગવું હો ત્યારે સુવાડાવું,
પરીઓના દેશમાંથી ઉડતો ઝાલીને
તને રીક્ષામાં ખીચો ખીચ ઢાસું.
ભણતરનો ભાર એવો દફતરનો ભાર,
જાણે ઊંચકે મજૂર કોઈ બોરી, સે સોરી..
પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે.
પગમાં જૂનાં જૂતાં પહેરી પંડિત ચાલ્યા જાય છે.
આંબા ઉપર કેરી દેખી પંડિત જોવા જાય છે
તડાક કરતા કેરી તૂટી ટાલ પર કુટાય છે.
લોહી વહી જાય છે ને પંડિત ચાલ્યા જાય છે.
ખીસામાંથી ડબ્બી કાઢી છીકણી સુંઘવા જાય છે.
હાક છી હાક છી કરતા કરતા ચોટલી ફર ફર થાય છે.
આકાશે એરોપ્લેન દેખી પંડિત જોવા જાય છે
આમતેમ આમતેમ ફાંફા મારતા ગધેડે અથડાય છે.
પંડિત ચાલ્યા જાય છે, પંડિત ચાલ્યા જાય છે.
આજે બાળદિન નિમિત્તે સાંભળીએ એક મઝાનું બાળગીત..
સ્વર: ઐશ્વર્યા, આશિની, સુપલ, ચાર્મિ
ટન ટન ટન બેલ પડ્યો ને સ્કૂલમાં થઈ ગઈ છૂટ્ટી,
ભારી દફતર ખભે મૂકીને મેં તો દોટ મૂકી.
યુનિફોર્મ છે વિખરાયેલો ને નીચે ખુલ્લું દફતર,
બુટની દોરી છૂટ્ટી છે ને બેલ્ટ ઢીલો ને બક્કલ,
સ્કૂલ લાગે છે જાણે મેદાને દંગલ..
નોટબુકનાં પાના ફાડી પ્લેન બનાવવા બેઢા,
સ્કૂલનાં દરવાજે અમે તો રીક્ષા કાજે બેઢા,
થઈ રહી છે ચોપડાઓની જુઓ અદલા બદલી,
લંચબોક્ષ ખાલી કરવાની છે ઉતાવળ કેટલી?
પંજરમાંનું પંખી જાણે જાય કશે ઉડી..
સ્વર: ઐશ્વર્યા હિરાની, સુપલ તલાટી
ઈલા! તારી કિટ્ટા! કનુ! તારી કિટ્ટા! ઈલા! તારી કિટ્ટા!
મારી પાસે મીઠી મીઠી શેરડી ને શીંગો,
લે હવે તું લેતો જા હું આપું તને ડિંગો.
મારી પાસે ખાટી મીઠી આંબલી ને બોર,
એકે નહીં આપું તને છોને કરે શોર.
જાણે હું તો આંબલી ને બોરનો તું ઠળિયો,
ભોગ લાગ્યા ભાયગના કે ભાઈ આવો મળિયો.
બોલી બોલી વળી જાય જીભનાં છો કુચ્ચા,
હવે કદી કરું નહીં તારી સાથે બુચ્ચા.
જા જા હવે લુચ્ચા!
ઈટ્ટા ને કિટ્ટાની વાત અલ્યા છોડ:
ભાઈ બહેન કેરી ક્યાંય જોઈ એવી જોડ.
સ્વર: દ્રવિતા ચોક્સી
હોય એક સુંદર ચોકલેટનો બંગલો,
ચમકતો ચાંદામામા કેરા રંગનો;
ચોકલેટનાં બંગલાને ટોફીનાં દ્વાર,
ખિસકોલી પૂંછડે ઝાડુનો માર.
હોય એક..
ગોળ ગોળ લેમનનો ગોખલો છે નાનો,
હેલો હેલો કરવાને ફોન એક છાનો;
બિસ્કીટને ટોડલે સુંદર છે મોર,
પીપરમીંટનાં આંગણામાં લાલ ફૂલ ડોલ.
હોય એક..
ચાંદીના ઝાડ પાછળ ચાંદામામા ભમતા,
મોતીનાં ફલોમાં સંતાકૂકડી રમતા;
ઊંચે ઊંચે હિંચકો ખૂબ ઝૂલે ઝૂલ,
મેનાનું પીંજરૂં ટાંગે રંગલો.
હોય એક..
મૈત્રી… મૈત્રી એટલે એવું મંદિર જેની ધજા પવન વગર પણ ફરફરતી રહે છે. મૈત્રી એટલે એવો ખભો જેના શર્ટને કોલર નથી હોતા. ટીકીટ વગરની સફર છે આ મૈત્રી. આપણા કોઇ એક મિત્રનુ નામ ચંદુ તો હોય જ છે અને જો નથી હોતું તો આપણે પાડી દઇએ છિએ. તો આ સરસ મજાનું બાળગીત મારા એ મિત્રો માટે જેમનું નામ મેં ચંદુ પાડ્યું અને એ મિત્રો માટે પણ જેમણે મારું નામ ચંદુ પાડ્યું.
હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠા,
લેસન પડતું મૂકી, ફિલમ ફિલમ રમવા બેઠા.
મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી,
પડદો બાંધી અમે બનાવી ફિલમ એની મૂંગી.
દાદાજીના ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર પાંચ.
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ.
કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક.
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતા ચંદુડીયાએ બુમાબુમ જગાવી.
દોડમદોડા ઉપર આવી પહોંચ્યા મમ્મી-પપ્પા,
ચંદુડીયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા.
રજુ કરું છું એક સુંદર બાળગીત…
એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો
બંન્ને બથ્થંબથ્થા બાઝી, કરતા મોટો ઝગડો
તગડો તાળી પાડે, ને નાચે તાતાથૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરરરર ઉતરી ગઇ
પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી
સાતડો છાનો માનો સૌની લઇ ગયો લખોટી
આઢડાને ધક્કો મારી નવડો કહેતો ખસ
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલની બસ
—————————————-
સૌજન્ય: ટહુકો
સ્વર: ગૌરાંગ વ્યાસ
હુ તુ તુ તુ તુ તુ તુ તુ
જામી રમતની ઋતુ
આપો આપો એક મેક ના થઇ ને ભેરુ સારુ
જગત રમતું આવ્યું ને રમે છે હુ તુ તુ તુ તુ
તેજ ને તિમિર રમે… હુ તુ તુ તુ હુ તુ તુ તુ
પાણી ને સમીર રમે.. હુ તુ તુ તુ હુ તુ તુ તુ
વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
પામવાને સંતને ફકીર રમે હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
એક મેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે
ધમ્માચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે
ખમીર થી ખમીરનો ખેલ રે મંડાયો ભાઇ
હોય જગ જાગતું કે હોય સુતું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
ભેરું તો દેખાવ કરીને ખેલ ખેલતા ઉંચે શ્વાસે
પર ને કેમ પરાજીત કરવો અંતર પ્રગટી એક જ આશે
વિધ વિધ નામ ઘરી સંસારની કેડી માથે
ખાકનાં ખિલોના રમે સાચું અને જુઠું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
મનડાની પાછળ મન દોડે તનડું તન ને ઢુંઢે
ધનની પાછલ ધન દોડતું પ્રપંચ ખેલી ઉંડે
જાત જાત ભાત ભાત ના વિચાર દાવ પેચ
કયારે મળે લાગ અને ક્યારે લુટું ?……… હુ તુ તુ તુ તુ તુ તુ તુ…