સ્વરાંકન / સ્વર: અમર ભટ્ટ
કુંચી આપો બાઈજી,
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી?
કોઈ કંકુ થાપા ભૂંસી દઈ, મને ભીંતેથી ઉતરાવો,
કોઈ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડા પકડાવો,
ખડકી ખોલો બાઈજી,
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈજી,
મારા મૈયરની શરણાઈજી..
તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી,
તમે અણજાણ્યા ઉંબરિયેથી મારી નદીયું પાછી ઠેલી,
મારગ મેલો બાઈજી,
તમે કિયા કુહાડી વેડી મારા દાદાની વડવાઈજી,
મારા મૈયરની શરણાઈજી..
સ્વર: આલાપ દેસાઈ
પરપોટો થઈ ફૂટી ગયો દરિયો રે,
કાંઠે બેસી બીજ રોપતા એક છોકરે,
છાલ ખાઈને ફેંકી દીધો ઢળિયો રે.
હથેળીઓમાં સોળ વરસને કીધી માઝમ કેદ,
નસીબની રેખામાં ઘોળ્યા સ્વાસ ભરેલા ભેદ;
સાવરણીની સાથ સળીની આણ ફગાવી,
ખીલી ગઈ બે કુણી કુંવારી કળીઓ.
અંધકારના અજાણ રાતા નગર ફળ્યા બે શ્વાસ,
ગઢમાં ગહેક્યા મોર સાંભળી ફરફર ડોલ્યું ઘાસ;
દરિયો ડોળી ગીત ગોબરું દરિયા કાંઠે
ભરી ભરીને ઠાલવે રે આંગળીયો.
કૂંચી આપો, બાઈજી !
તમે કિયા પટારે મેલી મારા
મૈયરની શરણાઈ જી !
કોઈ કંકુ થાપા ભૂંસી દઈ
મને ભીંતેથી ઊતરાવો,
કોઈ મીંઢણની મરજાદા લઈ
મને પાંચીકડાં પકડાવો.
ખડકી ખોલો બાઈજી !
તમે કિયા કટાણે પોંખી મારા
કલરવની કઠણાઈજી !
તમે ઘરચોળામાં ઘુઘરિયાળી
ઘરવખરી સંકેલી,
તમે અણજાણ્યા ઉંબરિયેથી
મારી નદિયું પાછી ઠેલી !
મારગ મેલો બાઈજી !
તમે કિયા કુહાડે વેડી મારા
દાદાની વડવાઈજી !
સ્વર: દર્શના ઝાલા
ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી ‘તી
મુને ઉંબર લઈ ચાલ્યો બજારમાં…
પહેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપર ઉમેરે તોફાન;
આમતેમ જોતી હું તો અમથી ઊભી ‘તી
લાલ છાંટો ઊડ્યો રે શણગારમાં…
બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર,
ઝટ્ટ દઈ તોળી મુને આંખ્યુંના ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;
સાનભાન ભૂલી હું તો અમથી ઊભી ‘તી
દઈ પડછાયે ટેકો સૂનકારમાં…
ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ;
નામઠામ છોડી હું તો અમથી ઊભી ‘તી
સાવ નોંધારી થઈને ભણકારમાં…
ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ,
સૂરજ પાડીને એણે ઓર્યા રે સામટા, ઉપરથી રેડ્યું આકાશ;
રૂમઝૂમ થાતી હું તો અમથી ઊભી ‘તી
હવે અમથી ઊભી ‘તી એંકારમાં…
હજી અડધે ઊભી ‘તી એંકારમાં…
મુને ઉંબર લઈ ચાલ્યો…
સ્વર : વિરાજ – બીજલ ઉપાધ્યાય
થાંભલીનો ટેકો ને ઓસરીની કોર,
કણબીની છોકરીએ પાળ્યો રે મોર,
મોર ટહુકા કરે, મોર ટહુકા કરે…
એણે પાંચીકા અમથા ઉલાળ્યા, પછી છાતીમાં ટહુકાઓ પાળ્યા,
કાળજડું કાચુંને રેશમનો ભાર, એલ ઘેલ પાંપણમાં નવસેરો હાર,
હાર ઝૂલ્યા કરે… મોર ટહુકા કરે…
મોરપીંછાની વાત પછી ઉડી, એક સાતમે પાતાળ જઈ બૂડી,
ઉગમણી કેડીને આથમણાં ગીત, નીચી તે નજરું ને ઊંચી તે ભીંત,
ભીંત ઝૂલ્યા કરે… મોર ટહુકા કરે…
પછી ડૂમો ઓઢીને રાત સૂતી, બેઉ આંખો અંધારામાં ખૂંપી,
સૂનમૂન ફાનસમાં અજવાળા કેદ, નીંદરની વારતામાં ઢાંક્યાં રે ભેદ,
ભેદ ખૂલ્યાં કરે… મોર ટહુકા કરે…