Archive

Click play to listen all songs in ‘શૂન્ય પાલનપુરી’ Category
This text will be replaced by the flash music player.

કોઈની મદીલી નજર – શૂન્ય પાલનપુરી

May 12th, 2010 3 comments

સ્વરાંકન: સ્નેહલ મજુમદાર
સ્વર: ધનાશ્રી પંડિત

“આપ મારી વફા નહીં સમજો
આંખ નિજના પડળ ના જોઈ શકે,
દોષ છે ‘શૂન્ય’ સૌ સુકાનીનો
નાવ પોતે વમળ ના જોઈ શકે.”

કોઈની મદીલી નજર છે ને હું છું,
આ ખુમારી ભરેલું જીગર છે ને હું છું.

નથી ના ખુદાને, ખુદા પર ભરોસો,
હવે નાવડી છે, ભવર છે ને હું છું.

નડે છે અનાદીથી ચંચળતા મનની,
આ વિરામ જીવન સફર છે ને હું છું.

જનારા ગયા ને ગયું સર્વ સાથે,
હવે ‘શૂન્ય’ વિરાન ઘર છે ને હું છું.

taintedsong.com taintedsong.com taintedsong.com

હરદમ તને જ યાદ કરું – શૂન્ય પાલનપુરી

December 7th, 2009 5 comments

સ્વર: મનહર ઉધાસ

“બધી દુનિયાને ભૂલી જાઉં છું તારા વિચારોમાં
છતાં તારા વિચારોને ભુલાવી નથી શકતો.”

હરદમ તને જ યાદ કરું એ દશા મળે,
એવું દર્દ ન આપ કે જેની દવા મળે.

સોંપી દઉં ખુદાઈ બધી એના હાથમાં,
દુનિયામાં ભૂલથી જો કોઈ બાવફા મળે.

સૌથી પ્રથમ ગુનાની કરી જેણે કલ્પના,
સાચો અટલ એજ કે એને સજા મળે.

રાખો નિગાહ શૂન્યના પ્રત્યેક ઘાવ પર,
સંભવ છે ત્યાં જ કોઈ રૂપે ખુદા મળે.

taintedsong.com taintedsong.com taintedsong.com

તું જ અંત આદિમાં – શૂન્ય પાલનપુરી

September 11th, 2009 4 comments

સ્વર: સમૂહગાન

તું જ અંત આદિમાં, તું જ તેજ અંધારે,
તું જ સાર છે કેવળ આ અસાર સંસારે.

પથ્થરો તરે છે તો એક જ અરજ છે મારે,
મુજ જીવનની નૌકા પણ જઈ ચઢી છે મજધારે.

જન્મના સકળ ફેરા લેશ પણ નથી ભારે,
હું બધુંય સમજું છું તું જ આવશે હારે.

એજ આશ્વાસનથી શ્વાસ લઉં છું સંસારે,
ક્યાંક તું મળી જાશે કોઈક નામ આકારે.

રોમે રોમે જાગે છે એજ નામની રટણા,
ઝેર પણ બને અમૃત એનાં એક ઉદગારે.

ભક્તજનની નજરોનાં પારખા નથી સારા,
એક ‘દિ બતાવીશું આપને નયન દ્વારે.

taintedsong.com taintedsong.com taintedsong.com

એક મયખાનું ચાલે છે – શૂન્ય પાલનપુરી

August 21st, 2009 5 comments

સ્વર: મનહર ઉધાસ

“જો સુર પીવીજ હોય તો શાનની સાથે પીઓ,
કાં પ્રિયા કાં યાર બુદ્ધિમાનની સાથે પીઓ,
ખુબ પી ચકચૂર થઈ જગનો તમાશો ના બનો,
કમ પીઓ છાની પીઓ પણ ભાનની સાથે પીઓ.”
-અમૃત ઘાયલ

એક મયખાનું ચાલે છે આલમ મહીં,
ચંદ્ર પણ જામ છે સૂર્ય પણ જામ છે;
દ્રષ્ટિ વાળા ફક્ત પી શકે છે અહીં,
ખાસ મહેફિલ છે પણ દાવતે આમ છે.

પાપને પુણ્ય જેવું કશુંય નથી,
માત્ર નીતિના મૂલ્યાંકનો છે જુદાં;
ખુબ સમજી લે મન તારા કર્મો થકી,
તું જ ખુદ સ્વર્ગ કે નર્ક નું ધામ છે.

જળની ધારા ગમે તેવા પાષણને,
એકધારી પડે તો જ ભેદી શકે,
ભાગ્ય પલટાય ના માત્ર ઈચ્છા વડે,
યત્ન કર ખંતથી એ જ પેગામ છે.

થઈ ગયા સાચ ને જુઠના પારખા,
મિત્ર પડખે નથી શત્રુ સામે નથી;
ઓ મુસીબત અમારી સલામો તને,
આજ તારા પ્રતાપે જ આરામ છે.

‘શૂન્ય’ તો એક જોગી સમો જીવ છે,
એને લૌકિક પ્રલોભન તો ક્યાંથી નડે?
પ્રેમની નિષ્પક્ષ છે, રૂપ નિર્લેપ છે,
કર્મ નીસ્વાદ છે ભક્તિ નિષ્કામ છે.

taintedsong.com taintedsong.com taintedsong.com

ક્ષમા કરી દે – શૂન્ય પાલનપુરી

July 10th, 2009 13 comments

સ્વર: પાર્થિવ ગોહિલ

તોફાનને સમર્પી અણછાજતી મહત્તા,
તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે;
હોડીનું એક રમકડું તૂટ્યું તો થઇ ગયું શું?
મોજાની બળહઠ છે સાગર ક્ષમા કરી દે.

હર શ્વાસ એક મુસીબત, હર શ્વાસ એક વિમાસણ
પળ પળની વેદનાઓ, પળ પળની યાતનાઓ;
તારું દીધેલું જીવન મૃત્યુ સમું ગણું તો,
મારી એ ધૃષ્ટતાને ઈશ્વર ક્ષમા કરી દે.

કાંટો છે લાગણીનો, વજનો છે બુદ્ધિ કેરાં,
તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ,
હે મિત્ર તારા દિલનો પણ તોલ મેં કર્યો છે,
આવે છે એની તોલે પથ્થર ક્ષમા કરી દે.

taintedsong.com taintedsong.com taintedsong.com

હું નથી પૂછતો ઓ સમય – શૂન્ય પાલનપુરી

December 12th, 2008 12 comments

સ્વર: ધનાશ્રી પંડિત

હું નથી પૂછતો ઓ સમય કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઈએ તારે આખર જખમ કેટલા?

ઓ ખુદા આ ફરેબોની દુનિયા મહીં, પ્રેમ તારો ખરેખર કસોટી જ છે
સાફ કહી દે કે રાજી તને રાખવા, પૂજવા પડશે મારે સનમ કેટલા?

દર્દની લાગણીના ઘણા રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,
સ્મિત થઈને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત થઈ ના શકે એવા ગમ કેટલા?

પ્રેમ ઇર્ષાથી પર ક્યાંક હોતો નથી, શબ્દથી વાત કેરું વતેસત થશે,
હોઠ સીવીને ચુપચાપ જોયા કરો, મૌન પેદા કરે છે ભરમ કેટલા?

સ્વાર્થની આ તો છે ભક્તિ-લીલા બધી, આત્મ-પૂજા વિના ‘શૂન્ય’ આરો નથી,
એક ઇશ્વરને માટે મમત કેટલો, એક શ્રધ્ધાને માટે ધરમ કેટલા?

taintedsong.com taintedsong.com taintedsong.com

મનને મીઠા બોલથી – શૂન્ય પાલનપુરી

May 21st, 2008 4 comments

સ્વર: મનહર ઉધાસ

મનને મીઠા બોલથી બહેલાવનારા આપ છો,
ઝેર પાઈને અમી સર્જાવનારા આપ છો.

લાખ ભવ કુરબાન કરશું એટલા વિશ્વાસ પર,
એક તો પળ છે કે જેમાં આવનારા આપ છો.

છે પળોની વાત પણ એને યુગો દહોરાવશે,
પાસ બેસીને અગર બિરદાવનારા આપ છો.

કાશ કોઈ ‘શૂન્ય’ને પણ પૂછતે એનો ભરમ,
સૌ કહે છે સૃષ્ટિઓ સર્જાવનારા આપ છો.

taintedsong.com taintedsong.com taintedsong.com

ગઝલ – શૂન્ય પાલનપુરી

June 21st, 2007 2 comments

સ્વર: મનહર ઉધાસ

આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે, અંતરો ગાય પંચમના સૂરે ગઝલ;
દર્દ અંગડાઇ લે, પ્રેમ ઝૂમી ઊઠે, રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.

દ્રશ્ય સર્જાય મોંઘું મિલનનું અને સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ;
દોર ગોઝારો જામે વિરહનો અને રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ.

ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી,લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી;
બુલબુલોએ રચી ગુલશનોમાં અને આમ્ર-કુંજોમાં ગાઇ મયૂરે ગઝલ.

બે ધડકતા દિલોની કહાણી બને, રંગ ભીની કરુણાની લ્હાણી બને,
પ્રેમ ને રૂપની દિવ્ય વાણી બને, તો જ પહોંચી શકે દૂર દૂરે ગઝલ.

દેહના કોડિયે, પ્રાણની વાટને, લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મહેફિલે, દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.

જન્મ-મૃત્યુ છે, મત્લા ને મકતા ઉભય, શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય;
રંગ લૌકિક છે પણ અલૌકિક લય , ગાય છે ‘શુન્ય’ ખુદની હજૂરે ગઝલ.

taintedsong.com taintedsong.com taintedsong.com

એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર – શૂન્ય પાલનપુરી

June 18th, 2007 1 comment

સ્વર: મનહર ઉધાસ

એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર
દંગ થઈ જાય જગત, એવું કરું સર્જન ધરાર

ફૂલથી લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક
ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક
મેરુએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી
વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી

બુદબુદાથી અલ્પતા, ગંભીરતા મઝધારથી
મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી
પ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો ફફડાટ
કાગથી ચાતુર્ય લીધું, કાબરોથી કલબલાટ
ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ
નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ

પંચભૂતો મેળવી, એ સર્વનું મંથન કર્યુ
એમ એક ‘દી સર્જકે એક નારીનુ સર્જન કર્યુ
દેવદર્લભ, અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી
એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી

taintedsong.com taintedsong.com taintedsong.com

પરિચય છે – શૂન્ય પાલનપુરી

May 26th, 2007 No comments

સ્વર: મનહર ઉધાસ

પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે ‘શુન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

taintedsong.com taintedsong.com taintedsong.com