મા બાપને ભૂલશો નહિ – સંત પુનિત
આજની વ્યસ્ત જિંદગીમાં આપણી પાસે મા-બાપને યાદ કરવા કે તેમની સાથે બેસી બે વાત કરવા જેટલો સમય નથી. એટલે જ આજ-કાલ બધા ‘મધર્સ ડે’ ને ‘ફાધર્સ ડે’ જેવા દિવસો પર કાર્ડ કે ફૂલો આપી મા-બાપ પ્રત્યેની પોતાની જવાબદારી પુરી કર્યાનો સંતોષ માને છે. પરંતુ હકિકતમાં તેઓ આપણો સાથ અને સહવાસ ઝંખતા હોય છે. તેમને જરૂર છે આપણી હૂંફ અને લાગણીની. તો ચાલો આજે આ સુંદર અને આંખ ઉઘાડી નાખતી રચના સાંભળી ને આપણા અંતરાત્માને સવાલ કરી લઇએ કે ક્યાંક આપણે આ દોડતી-ભાગતી જિંદગીની ઘટમાળમાં મા-બાપને ભૂલી તો નથી ગયાને?
સ્વર: શૈલેન્દ્ર ભારતી
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ
પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ
કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ
લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, આ કોડને ભૂલશો નહિ
લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ
સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ
ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ
ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પળ પળ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.









