Archive

Click play to listen all songs in ‘સૈફ પાલનપુરી’ Category
This text will be replaced by the flash music player.

આપનું મુખ જોઈ – આદિલ મન્સૂરી

April 16th, 2010 3 comments

સ્વર: મનહર ઉધાસ

“દિલને ગમતીલો ઘાવ ત્યાં ઘેરો ન મળ્યો,
માત્ર એકાંત મળ્યું, કોઈ ઉમેરો ન મળ્યો;
આપણા યુગનું આ કમભાગ્ય છે કેવું ભારે?
કે ગયા ચાંદ સુધીને કોઈ ચહેરો ન મળ્યો.”
-સૈફ પાલનપુરી

આપનું મુખ જોઈ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે,
આંખ ખોલું છું તો સ્વપ્ના જાય છે.

આપ શું સમજો હૃદયની વાતમાં?
આપને ક્યાં દર્દ જેવું થાય છે.

આંસુઓમાં થઈ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

દુ:ખ પડે છે એનો ‘આદિલ’ ગામ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

taintedsong.com taintedsong.com taintedsong.com

સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું – સૈફ પાલનપુરી

October 20th, 2009 4 comments

સ્વર: મનહર ઉધાસ

“અમુક રીતે જો ઉચ્ચારે છે મારું નામ કોઈ તો,
કોઈ નિસ્બત નથી હોતી છતાં શરમાઈ જાઉં છું;
તમારું નામ લે છે જયારે કોઈ પારકા હોઠોં,
કોઈ બાબત નથી હોતી છતાં વહેમાઈ જાઉં છું.”

સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું,
હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું.

આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો,
ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઈ રહ્યો છું.

એકવાર મેં ફૂલો સમો દેખાવ કર્યો હતો,
આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું.

તારા લીધે લોકો હવે નીરખે છે મને પણ,
કાગળ છું કોરો અને વાંચી રહ્યો છું.

કહેવું છે ઘણું ‘સૈફ’ અને કહી નથી શકતો,
શબ્દોની છે દીવાલ ને દફનાઈ રહ્યો છું.

taintedsong.com taintedsong.com taintedsong.com

ફૂલ કેરા સ્પર્શથી પણ – સૈફ પાલનપુરી

October 29th, 2007 5 comments

સ્વર: ધનાશ્રી પંડિત

ફૂલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે
અને રૂઝાયેલાં ઝખમ પણ યાદ આવી જાય છે

કેટલો નજદીક છે આ દૂરનો સબંધ પણ
હું હસું છું એકલો એ એકલા શરમાય છે

આ વિરહની રાત છે, તારીખનું પાનું નથી
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે

એક પ્રણાલીકા નિભાવું છું લખું છું ‘સૈફ’ હું
બાકી ગઝલો જેવું જીવન હવે ક્યાં જીવાય છે

taintedsong.com taintedsong.com taintedsong.com

ખાનગી પત્ર – સૈફ પાલનપુરી

October 23rd, 2007 6 comments

સ્વર: મનહર ઉધાસ

વરસોથી સંઘરી રાખેલી દિલની વાત જણાવું છું
મમતા રાખીને સાંભળજો હું તમને બહુ ચાહું છું

વાત કરો છો સખીઓ સાથે જ્યારે ધીમી ધીમી
મનની કળીઓ પણ ખીલે છે ત્યારે ધીમી ધીમી

મારી વાત હશે એમ માની હરખાઉ છું મનમાં
વડીલ જેવું કોઈ મળે તો બહુ શરમાઉ છું મનમાં

પગલાં જેવું લાગે છે ત્યાં ફુલો રોજ ધરું છું
સાચું કહી દઉં મનમાં તો ફેરા રોજ ફરું છું

ચાલ તમારા જેવી જ્યારે કોઈ લલના ચાલે છે
એવી હાલત થાય છે બસ મિત્રો જ મને સંભાળે છે

પત્ર લખીને આજે તમને દિલની વાત કહી છે મેં
કહેવાનું બસ એજ કે તમથી છાની પ્રિતી કરી છે મેં

પણ આ છેલ્લી વાત કહ્યા વીના મારાથી રહેવાતું નથી
કોને નામે પત્ર લખ્યો છે એજ મને સમજાતું નથી

એક જ ઈચ્છા છે કે મારો પત્ર બધાને કામ આવે
પોતાની પ્રેમીકાને સૌ આ રીતે સમજાવે

દુનીયાનાં સૌ પ્રેમીઓને ભેટ અનોખી આપું છું
મારા શબ્દો વાપરવાની છુટ બધાને આપું છું

શબ્દો મારા પ્રેમ તમારો બંને સંયોગ થશે
તો જીવનમાં કવિતાનો સાચો સદઉપયોગ થશે

મળી ન હોય કોઈને એવી જાગીરદારી મળશે
દુનીયાની સૌ પ્રિતમાં મુજને ભાગીદારી મળશે

taintedsong.com taintedsong.com taintedsong.com

ખૂશ્બુમાં ખીલેલા ફૂલ હતાં – સૈફ પાલનપુરી

September 5th, 2007 1 comment

સ્વર: મિતાલી સીંગ

ખૂશ્બુમાં ખીલેલાં ફૂલ હતાં, ઊર્મીમાં ડુબેલાં જામ હતાં
શું આસુંનો ભુતકાળ હતો, શું આસુંના પણ નામ હતાં

હું ચાંદની રાતે નીકળ્યો તો મારી સફર ચર્ચાઇ ગઇ
કંઇ મંઝીલ પણ મશહુર હતી, કંઇ રસ્તા પણ બદનામ હતાં

જીવનની સમી સાંજે મારે ઝખમોની યાદી જોવી હતી
બહું ઓછાં પાનાં જોઇ શક્યો, બહુ અંગત અંગત નામ હતાં

થોડીક શીકાયત કરવી હતી, થોડાક ખુલાસા કરવા હતાં
ઓ મોત જરા રોકાઇ જતે, બે ચાર મને પણ કામ હતાં

taintedsong.com taintedsong.com taintedsong.com

છે ઘણા એવા.. – સૈફ પાલનપુરી

July 9th, 2007 5 comments

સ્વર: મનહર ઉધાસ

છે ઘણા એવા કે, જેઓ યુગને પલટાવી ગયા,
પણ બહુ ઓછા છે, જેઓ પ્રેમમાં ફાવી ગયા.

દુર્દશા જેવું હતું, કિંતુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.

હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં, પણ આંસુઓ આવી ગયાં.

મેં લખેલો દઈ ગયા; પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે, એ પત્ર બદલાવી ગયા.

‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા ?

taintedsong.com taintedsong.com taintedsong.com

એક લોકકથા – સૈફ પાલનપુરી

June 12th, 2007 2 comments

સ્વર: મનહર ઉધાસ

એક રાજાએ એક પંડિતને એવું એક ફરમાન કર્યું
આજ સુધી ના ખીલ્યાં એવાં જ્ઞાની ફૂલ ખિલાવી ધ્યો;
સ્મિત કરીને પંડિત બોલ્યા- ‘રાજન, મારું કામ નહીં’
એ માટે તો ક્યાંકથી કોઇ પ્રેમિકા બોલાવી લ્યો.

હર્ષિત થઇને રાજા બોલ્યો, ‘પ્રેમિકાને લઇ આવો.’
પાનખરો જે અજવાળે એ દીપિકાને લઇ આવો,
સૈનિક બોલ્યા : હે રાજેશ્વર, સોંપેલું આ કામ છે શું ?
પ્રેમિકાનું નામ છે શું ? ને પ્રેમિકાનું ઠામ છે શું ?

ચોર લૂંટારુ હોય તો રાજન પકડીને હાજર કરીએ.
શત્રુ હોય જો કિલ્લા સમ તો સામે જઇને સર કરીએ;
પણ આવી શોધનું હે અન્નદાતા અમને તો કંઇ જ્ઞાન નથી.
પ્રેમિકા શું ? પ્રેમી છે શું ? કંઇ એનું અમને ભાન નથી.

પંડિત બોલ્યા : પ્રેમિકા છે પ્રેમિકાનું એક જ નામ
બારે માસ વસંતો જેવું જ્યાં હો ત્યાં છે એનું ઠામ
સૈનિક ચાલ્યા શોધ મહીં ને શોધ કરીને લઇ આવ્યા
શહેરમાં જઇ એક ડોસીમાને હરીફરીને લઇ આવ્યા.

બોલ્યા માલિક સમજ પડે ના એવું કંઇ સમજાવે છે,
આ ડોસીને પ્રેમિકાના નામે સૌ બોલાવે છે.
લગ્નપ્રસંગે સૌથી પહેલાં એનું ઘર શણગારે છે,
એની આશિષ સૌથી પહેલાં મંડપમાં સ્વીકારે છે.

રાજા શું કે શું પંડિતજી સૂણીને સૌના મન ઝૂમ્યાં
વારાફરતી જઇને સૌએ ડોસીમાના પગ ચૂમ્યા.
આંખ ઉઠાવી ડોસીમાએ રાજા ઉપર સ્થિર કરી,
બોલ્યા : બેટા, જીવી ગઇ છું આખું જીવન ધીર ધરી.

પરદેશી જો પાછો આવત- મારે પણ એક હીરો હોત,
મારે ખોળે પણ રમનારો તારા જેવો વીરો હોત.
વાત પુરાણી યાદ આવી ને આંખથી આંસુ છલકાયાં,
જ્યાં જ્યાં ટપક્યાં એ આંસુ ત્યાં ફૂલ નવાં સર્જાયાં.

taintedsong.com taintedsong.com taintedsong.com

આંખોથી લઇશું કામ હવે – સૈફ પાલનપુરી

May 23rd, 2007 4 comments

સ્વર: મનહર ઉધાસ

એક રાતે ભર સભામાં મારી ગઝલો સાંભળી
એક ગભરુ નારના ગાલો ગુલાબી થઇ ગયાં
દ્રશ્ય આ રંગીન જોઇ શાયરોના જુથમાં
જે શરાબી ન હતા તે પણ શરાબી થઇ ગયા.

આંખોથી લઇશું કામ હવે બોલવું નથી
રૂપાળું એક નામ, હવે બોલવું નથી
આંખોથી લઇશું કામ…

યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું
કેવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી
આંખોથી લઇશું કામ…

પૂછોના પ્રિત મોંઘી કે સસ્તી છે દોસ્તો
ચુકવી દિધાં છે દામ, હવે બોલવું નથી
આંખોથી લઇશું કામ…

લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઇ ગઇ
શબ્દો હવે હરામ, બોલવું નથી
આંખોથી લઇશું કામ…

આંખોથી લઇશું કામ હવે બોલવું નથી
રૂપાળું એક નામ, હવે બોલવું નથી
આંખોથી લઇશું કામ…

taintedsong.com taintedsong.com taintedsong.com

શાંત ઝરુખે વાટ નિરખતી.. – સૈફ પાલનપુરી

April 18th, 2007 13 comments

શાંત ઝરુખે વાટ નિરખતી….. અને વરસો બાદ ફરીથી આજે એ જ ઝરુખો ….કયા ગઝલપ્રેમીએ ‘સૈફ પાલનપુરી’ ની આ નઝમને શ્રી ‘મનહર ઉધાસ’ ના સૂરીલા કંઠે નહીં સાંભળી હોય? ઘણીવાર આ નઝમ સાંભળીને મને થતું કે શાયરે જે વ્યક્તિને જાણતા પણ નથી તેને માટે શા માટે આટલું દર્દ ભર્યું ગીત લખ્યું છે? ઘણા ખાંખા-ખોળા કર્યા પછી મને આ નઝમનું નીચે મુજબ અર્થઘટન મળ્યું છે, જે સાહિત્યપ્રેમીઓની વિચારણા માટે રજુ કરું છું:-

અહીં ઝરુખો એ જિંદગીનું પ્રતિક છે. પહેલો ભાગ જીવનની શરુઆતના ભાગ- બાળપણને વર્ણવે છે. બાળકની નિર્દોષ સુંદરતાને શાયરે એક સુંદરી સાથે સરખાવી છે. અને બીજા ભાગમાં જીવનના અંત ભાગનું- મૃત્યુ સાવ નજીક આવી ગયું હોય તે ઘડીનું કરુણ વર્ણન આપણને પણ સુના સુના નથી કરી નાંખતું?

સ્વર: મનહર ઉધાસ

શાંત ઝરુખે વાટ નિરખતી રૂપની રાણી જોઇ હતી
મેં એક શહેજાદી જોઇ હતી…

એના હાથની મેહંદી હસતી હતી, એનું આંખનું કાજળ હસતું હતું
એક નાનું સરખું ઉપવન જાણે મોસમ જોઇ મલકતું હતું.

એના સ્મિતમાં સો સો ગીત હતાં, એની ચુપકીદી સંગીત હતી,
એને પડછાયાની હતી લગન, એને પગરવ સાથે પ્રિત હતી.

એણે આંખના આસોપાલવથી એક સ્વપ્ન મહેલ શણગાર્યો હતો,
જરા નજરને નીચી રાખીને અણે સમયને રોકી રાખ્યો હતો.

એ મોજાં જેમ ઉછળતી હતી ને પવનની જેમ લેહરાતી હતી,
કોઇ હસીને સામે આવે તો બહું પ્યાર ભર્યું શરમાતી હતી.

એને યૌવનની આશીષ હતી, એને સર્વ બલાઓ દુર હતી,
એના પ્રેમમાં ભાગીદાર થવા ખુદ કુદરત પણ આતુર હતી.

વર્ષો બાદ ફરીથી આજે એજ ઝરુખો જોયો છે…
ત્યાં ગીત નથી સંગીત નથી, ત્યાં પગરવ સાથે પ્રિત નથી,
ત્યાં સ્વપ્નાઓના મહેલ નથી ને ઉર્મિઓના ખેલ નથી,
બહુ સુનું સુનું લાગે છે, બહુ વસમું વસમું લાગે છે…

એ નહોતી મારી પ્રેમિકા, એ નહોતી મારી દુલ્હન,
મેં તો એને માત્ર ઝરુખે વાટ નિરખતી જોઇ હતી
કોણ હતી એ નામ હતુ શું, એ પણ હું ક્યાં જાણું છું
તેમ છતાંયે દિલને આજે વસમું વસમું લાગે છે,
બહુ સુનું સુનું લાગે છે…
———————————————–
ફરમાઇશ કરનાર મિત્ર: રિતેશ

taintedsong.com taintedsong.com taintedsong.com