ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;
કારણમાં આમ કંઈ નહીં બે આંખ બસ લડી,
ને તું પ્રેમમાં પડ્યો ને હું પ્રેમમાં પડી.
બંનેના દિલ ઘડકતાં હતાં જે જુદાં જુદાં,
આ પ્રેમ એટલે કે એને જોડતી કડી;
શરમાઈ જતી તોય મને જાણ તો થતી;
મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી.
હૈયુંના રહ્યું ન હાથ, ગયું ઢાળમાં દડી;
મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયું જડી.
ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં,
બેસી શકે તો બેસ અડોઅડ અડી અડી;
મારા વિના ઉદાસ છું એ જાણું છું પ્રિયે
મેં પણ વિતાવી કેટલી રાતો રડી રડી.
મેં સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને;
તું આવ્યો જ્યાં નજીકને ત્યાં ઉકલી ગઈ ગડી.
————————————
ફરમાઈશ કરનાર મિત્ર: ઈશા
દરિયાના મોજા કૈં, રેતીને પૂછે ;
તને ભીંજાવું ગમશે કે કેમ ?
એમ પૂછી ને થાય નહીં પ્રેમ.
ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી ;
એક નો પર્યાય થાય બીજું.
આંખોનો આવકારો વાંચી લેવાનો ભલે ;
હોઠોથી બોલે કે ખીજ્યું.
ચાહે તે નામ તેને દઇદો તમે રે ભાઇ ;
અંતે તો હેમનું હેમ… એમ પૂછી ને થાય નહી પ્રેમ.
ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી ;
કાયમના રહેશો પ્રવાસી.
મન મૂકી મહોસ્શો તો મળશે મુકામ એનું ;
સરનામું સામી અગાસી.
મનગમતો મોગરો મળશે વટાવશો ;
વાદ્યાની વાડ જેમ જેમ… એમ પૂછી ને થાય નહી પ્રેમ.
દરિયાના મોજા કૈં, રેતીને પૂછે ;
તને ભીંજાવું ગમશે કે કેમ ?
એમ પૂછી ને થાય નહીં પ્રેમ.
——————————
ફરમાઈશ કરનાર મિત્ર: મંથન
સ્નેહી મિત્રો,
સૌપ્રથમ તો આપ સૌને નૂતન વર્ષાભિનંદન. આ નવું વર્ષ આપ સૌ માટે ખૂબ મંગળકારી નિવડે એવી શુભેચ્છાઓ. આજે નવા વર્ષનાં પ્રારંભે ગુજરાતી બ્લોગ જગતમાં મારા પ્રિય મિત્ર ચેતનાબેનનાં બન્ને બ્લૉગ્સ શ્રીજી અને સૂર~સરગમ ની પ્રથમ વર્ષગાંઠ પણ છે. તેમનાં બન્ને બ્લૉગ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. શ્રીજીએ વૈષ્ણવ ધર્મની અલભ્ય માહિતી પૂરી પાડી છે. જેના માટે શ્રીજીને ઈ-મહાપ્રભુજીનું બિરુદ પણ મળ્યું છે. જયારે સૂર~સરગમે પ્રસંગોનુસાર સૂરીલા ગીતો અને સુંદર સ્લાઈડ્સ સાથે આપણને સંગીતમાં તરબોળ કર્યાં છે. આજનાં આ શુભદિવસે તેમણે બીજા એક બ્લૉગ અનોખું બંધનની શરૂઆત પણ કરી છે. તેમની આ સૂર સંગીતની મહેફીલ આમ જ સલામત રહે અને અનોખું બંધન આપણને સૌને જોડી રહેનારું બની રહે એ શુભેચ્છા સાથે આજનું ગીત ચેતનાબેનને અર્પણ…
સ્વર: સંજય ઓઝા, દર્શના ગાંધી
મહોબ્બતથી મહેક્યાં આ ગુલશન,
આ ગુલશન સલામત રહે
સૂર શબ્દો તણી આજની આ,
આ મહેફિલ સલામત રહે…
મહોબ્બતથી…
રહે ચાંદ ઝીલમીલ સીતારા રહે,
લહેર સંગ એના કિનારા રહે
તમારાં રહે ને અમારાં રહે,
ગીત હોઠોં પર પ્યારા રહે…
મહોબ્બતથી…
આ ગઝલોનું યૌવન,આ ગીતોનું ઉપવન
સદાયે સભર કરતું રેહવાનું જીવન
આ સૂરતાલ સરગમ રહે ગુંજી હરદમ
આ રોશન શમા જલતી રેહવાની મધ્યમ
તમારી પાસે આ ઘાયલ જીગર ને,
જીગરની જમાનત રહે…
મહોબ્બતથી…
હો.. સમય ફૂલ પર સહી કરી દઈ સમયસર
વહી જાશું જાણે કે ઝાકળની ઝરમર
અમે તો જશું ને નવા આવશે પણ
ગગન છે તો ટહુકાઓ રહેશે ઘણા પણ
યાદ જગને અમારી સૂરીલી સૂરીલી,
સૂરીલી બગાવત રહે…
મહોબ્બતથી…
આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે;
ગાલો પર લજ્જાની… આંખોમા બેઠેલા…
કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂંવે રૂંવેથી મને વાગે;
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે.
નસનસ આ ફાટીને વહેવા ચહે છે, આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે;
ગાલો પર લજ્જાની… આંખોમા બેઠેલા…
—————————————
ફરમાઈશ કરનાર મિત્ર: મંથન
સાવ અચાનક મુશળધારે, ધોધમાર ને નવ લખધારે,
આ વાદળ વરસે છે કે તું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?
ગેબને આરે આભ ઓવારે શ્યામલ શ્યામલ મેઘ ઘેરાયા
કુંતલ કંઠે આવકારના પ્રિતગીત નભમાં લહેરાયા
ઉત્કટ મિલનની પ્યાસ લઇને, આલીંગન અણમોલ દઇને
આ મનભર મેઘ મળે કે તું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?
દાવા છોડી લ્હાવા લઇએ, ભીંજાઇને ભંજાવા દઇએ
આજ કશું ના કોઇને કહીએ, મોસમ છે તો વરસી રહીએ
તરસ તણા ચલ ગીત ભૂલીને, વરસ હવે તું સાવ ખુલીને
હવે કોઇ પાગલ કહે તો શું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?
મિત્રો, અહીં મૂકવામાં આવેલા ગીત માત્ર માતૃભાષાના પ્રચાર માટે જ છે અને તે ડાઉનલોડ થઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી શકાય એમ નથી. તમને ગમતાં ગીત ખરીદીને સાંભળો એમાં જ કલાકારોનું બહુમાન છે. અહીં મૂકવામાં આવેલા દરેક ગીત કે કવીતાના કોપીરાઇટ્સ જે તે રચયીતાના પોતાના છે, તેમ છતાં જો કોપીરાઇટ્સનો ભંગ થતો જણાય તો મારો સંપર્ક કરવા વિનંતી.
સંપર્ક: નીરજ શાહ ( niraj@rankaar.com )
Disclaimer
This site has been created in appreciation of Gujarati Music without any commercial motive. The songs given are in NO way meant to replace the original soundtracks of the album. If you like what you hear, be sure to purchase the original cassette or CD and thus supporting all the artists that have produced these beautiful songs. The songs are meant for promotional purposes of regional music only and their sole copyright rests with their respective Audio Music Company. You may not download the songs, reproduce the songs in any way that results in copyright violation. If any of these songs cause violation of the copyrights and is brought to my attention by holders of such copyrights, I will remove the concerned songs from the website promptly.
Contact: Niraj Shah on niraj@rankaar.com