સ્વર: રાસબિહારી દેસાઈ
આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર,
મધરાતે સાંભળ્યો મોર.
વાદળાય નહોતા ને ચાંદોય નહોતો
ઝાકળનો જામ્યો તો દોર,
ઝાકળને માનીને વાદળનો વીંઝણો
છેતરાયો નટવો નઠોર.
મધરાતે સાંભળ્યો મોર..
ઉષાની પાંપણ જ્યાં અધમીચી ઉઘડી
ઝાકળ કારમાણી કોર,
રંગ કેરાં ફૂમતડા ફંગોળી મોરલે
સંકેલી લીધો કલશોર.
સ્વર: રાસબિહારી દેસાઈ
આખા નગરની જલતી દિવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.
ઇચ્છા વિષે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,
ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે.
વંઠી ગયેલો ગાંધીજીનો વાંદરો હવે,
બહેરો બન્યાનો ડોળ કરી સઘળું સાંભળે.
આખા નગરની જલતી દિવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.
સ્વરાંકન/સ્વર: રાસબિહારી દેસાઈ
તમે ગાયાં આકાશભરી પ્રીતે
તે ગીત કહો મારાં કહેવાય કઈ રીતે?
ગીતને તો અવતરવું ઇચ્છાથી હોય છે
કે ચાલ જઈ કંઠ કંઠ મ્હાલીએ,
આપણે એવડાં તે કેવડાં જે મારું છે
ચાલ કહી ગજવામાં ઘાલીએ.
જે પ્રેમ કરી પામે તે જીતે
તે ગીત કહો મારાં કહેવાય કઈ રીતે?
અમને અણદીઠ હોય સાંપડ્યું કે સાંપડી હો
પીડા એવી કે સહેવાય નહીં,
એટલું જ હોય અને એટલાંક હોવાના
મથુરાને ગોકુળ કહેવાય નહીં.
અમે આપ્યાં જે દેવકીની રીતે
તે ગીત કહો મારાં કહેવાય કઈ રીતે?
સ્વર: સોનિક સુથાર
સ્વરાંકન: રાસબિહારી દેસાઈ
ઘટના તારી હોય અને તું ઘટનાથી સાવ અલગ,
દિગ્દર્શક તું હોય અને તું તક્તાથી સાવ અલગ.
રાત ગુલાબી તેમ છતાં દૃશ્યો લોહીલુહાણ બધાં,
તું સપનામાં હોય અને તું સપનાથી સાવ અલગ.
વરસાદ વિષેની વાતો ચાલ છોડી દઈએ તેમ છતાં,
તેં સુરજ દોર્યો અને તું તડકાથી સાવ અલગ.
સ્વરાંકન: રાસબિહારી દેસાઈ
સ્વર:વિભાબહેન દેસાઈ
હું તો અંધારે મોર બેઠી ભરવા, ને મોરલો અધૂરો રહ્યો;
નથી સોયમાંથી નીકળતો દોરો, ને મોરલો અધૂરો રહ્યો.
પડી દોરમાં થોકબંધ ગાંઠયું, ને મોરલો અધૂરો રહયો;
હું ગૂંચભર્યા દોરાનો ઢગલો, ને મોરલો અધૂરો રહયો.
બહાર ચોમાસું સાંકળ ખખડાવે, ને મોરલો અધૂરો રહયો;
કીયા દોરાથી ગ્હેંક મારે ભરવી, ને મોરલો અધૂરો રહયો.
સ્વર: રાસભાઈ, વિભાબેન
અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો તમે!
ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.
ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો તમે!
ચાર અક્ષરના ધોધમારમાં છલબલ આપણાં ફળિયાં,
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાડૂબ ઝળઝળિયાં!
ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે?
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો તમે!
પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!
અડધા અક્ષરનો તાળો જો મળે, તો સઘળું ગમે,
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો તમે!
ગુજરાતી સાહિત્યની ખુમારી એટલે ઘાયલ. સાંભળીએ ખુમારીથી છલો-છલ એવી આ સુંદર ગઝલ.
સ્વર: રાસબિહારી દેસાઈ
એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે !
છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે !
લઈ પાંખ મહીં એને ઊગારી લે પવનથી,
સળગે છે હજુ દીપ નથી સાવ ઠર્યો, લે !
તક આવી નિમજ્જનની પછીથી તો ક્યાં મળે
લે આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો, લે !
મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે !
સાચે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું,
અજમાવવો છે હાથ તો આ ગાલ ધર્યો, લે !
કેમે ય કરી ડૂબ્યો નહિ જીવ અમારો
ડૂબ્યો તો ફરી થઈ અને પરપોટો તર્યો, લે !
‘ઘાયલ’ને પ્રભુ જાણે ગયું કોણ ઉગારી,
મૃત્યુ ય ગયું સૂંઘી પરંતુ ન મર્યો, લે !
આભાર: લયસ્તરો