Archive

Click play to listen all songs in ‘શ્યામલ મુન્શી’ Category
This text will be replaced by the flash music player.

કાનુડો કામણગારો રે – દયારામ

August 31st, 2010 2 comments

પ્રસ્તાવના: તુષાર શુક્લ
સ્વરાંકન: પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર: શ્યામલ મુનશી

કાનુડો કામણગારો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે !
રંગે રૂડો ને રૂપાળો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે !

રંગ રાતોરાતો મદમાતો, ને વાંસલડીમાં ગીતડાં ગાતો,
હે એનાં નેણાં કરે ચેનચાળો રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે !

ભરવાને ગઈ’તી પાણી રે એને પ્રેમપીડા ભરી આણી રે,
ઘેલી થઈ આવી શાણી રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે !

બેની તારે પાયે લાગું, વ્હાલા રે વિના ઘેલું રે લાગ્યું;
હે એને દયાના પ્રીતમ માંગું રે, સાહેલી, આ તો કાનુડો કામણગારો રે !

taintedsong.com taintedsong.com taintedsong.com

મૌસમનું ખાલી નામ છે – તુષાર શુક્લ

July 26th, 2010 2 comments

સ્વરાંકન: ક્ષેમુ દિવેટિયા
સ્વર: શ્યામલ – સૌમિલ મુનશી

મૌસમનું ખાલી નામ છે, આ તારું કામ છે
રંગોની સુરાહીમાં સુગંધોના જામ છે.

વરસે છે વાદળોથી જે એ તારું વ્હાલ છે,
નખશીખ જે ભીંજાય છે એ હૈયાનું ગામ છે.

શોધીશ તોયે નહીં મળે નકશામાં એ તને,
નકશાની બહારનું છે એ સપનાનું ગામ છે.

હેમંતને, વસંતને વર્ષાની વાત ક્યાં?
તારા જ છે સ્વરૂપ ને તારો દમામ છે.

આને જ તે કહેતા હશે દીવાનગી બધાં,
કોઈ પૂછે ને કહી ના શકું વાત આમ છે.

મઝા મૂકીને દોડતો દરિયો એ આંબશે
રેતીમાં આંગળીથી લખ્યું એનું નામ છે.

ભીની અજાણી ભીંત પરની લીલમાં હજુ,
ગઈકાલે કોતર્યું હતું એ કોનું નામ છે?

મૌસમ તારી યાદની મૌસમ બની ગયી,
મક્તાના શેરમાં હવે છેલ્લી સલામ છે.

taintedsong.com taintedsong.com taintedsong.com

પછી પગલાં ગણ્યાથી – પુરુરાજ જોશી

October 26th, 2009 3 comments

પ્રસ્તાવના: તુષાર શુક્લ
સ્વર: શ્યામલ મુન્શી

પછી પગલાં ગણ્યાથી પંથ પૂરો ન થાય
ને વનરાવન પણ ગમતું લાગતું,
જેવું મારગમાં મોરપિચ્છ ભાળું કે
કાળજડે કાનાનું ના હોવું વાગતું.

આ તે યમુનાનો કાંઠો એ ધીકતું મસાણ
લાખ શમણાની ભડભડતી ચેહ,
અહીં શ્યામના કંઠે ના ડુસકા દબાય
અને દરિયા પર દાખવ્યો તે નેહ.
અરે કાગળમાં ચીતરી શી સુનમુન આ ગાયો,
ચરવામાં ચિત્ત નથી લાગતું.

આ તે આંસુ ખરે કે ખરે પાંદડા કદંબના
ને વરસે છે આભલેથી આગ,
વિરહમાં ઓગળ્યા રંગને ઉમંગ
કહો કેમ કરી ઉજવવા ફાગ.
ભલે આંસુથી ખરડાતો ગોવર્ધન પહાડ
ને નિસાસે વનરાવન દાઝતું.

taintedsong.com taintedsong.com taintedsong.com

સે સોરી માય સન – રઈશ મનીયાર

August 24th, 2009 14 comments

સ્વર: શ્યામલ – સૌમિલ મુન્શી

સે સોરી માય સન, સે સોરી
છ છ કલાક સ્કૂલ, ત્રણ ત્રણ કલાક ટ્યુશન,
ને તોય આ નોટ તારી કોરી, સે સોરી..

ઘસી ઘસી પીવડાવી અઢળક બદામ,
અને માથે તે ચોપડ્યું ઘી.
યાદદાસ્ત માટે શંખપુષ્પીની કંઈ
બાટલીઓ પેટમાં ભરી.
કેમે કરી યાદ રહેતું તને લેસન,
યાદ રાખે તું સીરીયલની સ્ટોરી, સે સોરી..

પંખીઓ બચ્ચાને ઉડતાં શીખવે,
માણસ બચ્ચાને આપે પિંજરું,
મમ્મી તો મોરની પ્રેક્ટીસ કરાવે,
થાય બાળકને ટહુકા ચીતરું.
મમ્મી ક્યાં જાણે કે કોઈ નોટબુકમાં
બાળક લાવ્યું છે આભ આખું દોરી, સે સોરી..

તારે હો ઊંઘવું ને ત્યારે જગાડું
ને જાગવું હો ત્યારે સુવાડાવું,
પરીઓના દેશમાંથી ઉડતો ઝાલીને
તને રીક્ષામાં ખીચો ખીચ ઢાસું.
ભણતરનો ભાર એવો દફતરનો ભાર,
જાણે ઊંચકે મજૂર કોઈ બોરી, સે સોરી..

taintedsong.com taintedsong.com taintedsong.com

સુંદર ગોપાલં – વલ્લભાચાર્ય

July 8th, 2009 15 comments

સ્વર: શ્યામલ મુન્શી

સુંદર ગોપાલં, ઉરવનમાલં, નયનવિશાલં, દુ:ખહરમ્,
વૃંદાવનચંદ્રં, આનંદકંદં, પરમાનંદં, ધરણીધરમ્,
વલ્લ્ભઘનશ્યામં, પૂર્ણકામં, અત્યભિરામં, પ્રીતિકરમ્,
ભજનંદકુમારં, સર્વસુખસારં, તત્વવિચારં, બ્રહ્મપરમ્!

ગૂંજા આકૃતિહારં, વિપિનવિહારં, પરમોદારં, ચીરહરમ્,
વલ્લ્ભ વ્રજપાલં, સુભગ સુચાલં, હિતમનુકાલં, ભાવવરમ્,
વલ્લ્ભમતિવિમલં, શુભપદકમલં, નખરુચિઅમલં, તિમિરહરમ્!

શોભિત મુખધૂલં, યમુનાકુલં, નિપટ અતુલં, સુખદ વરમ્,
મુખમંડિતરેણુ, ચારિત ધેનુ, વાદિતવેણુ, મધુર સૂરમ્,
વલ્લ્ભપટપીતં, કૃત ઉપવીતં, કરનવનીતં, વિબુધવરમ્!

taintedsong.com taintedsong.com taintedsong.com

કઈ તરકીબથી – ઉદ્દયન ઠક્કર

June 10th, 2009 1 comment

સ્વર: શ્યામલ – સૌમિલ મુન્શી

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?
કૂંપળની પાંસે શું કુમળી કોઈ હથોડી છે?

સમસ્ત સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે,
હું નથી માનતો આ ચન્દ્ર તો ગપોડી છે.

તમારે સાંજને સામે કિનારે જાવું હો,
તો વાત-ચીતની હલ્લેસાં સભર હોડી છે.

ગઝલ કે ગીત ને વારાફરતી પહેરે છે,
કવિ પાસે શું વસ્ત્રોને બે જ જોડી છે?

taintedsong.com taintedsong.com taintedsong.com

લો કરું કોશિશ – રાજેન્દ્ર શુક્લ

June 8th, 2009 3 comments

સ્વર: શ્યામલ – સૌમિલ મુન્શી

લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું.

આપની નજરો જે ફરમાવી રહી,
એ ગઝલ જો યાદ આવે તો કહું.

શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઇ થોડું ખળભળાવે તો કહું.

હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
એકદમ નજદીક આવે તો કહું.

કોઈને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું.

taintedsong.com taintedsong.com taintedsong.com

ત્યારે સાલું લાગી આવે – મુકેશ જોશી

May 8th, 2009 14 comments

સ્વર: શ્યામલ – સૌમિલ મુન્શી

પાનખરોમાં પાન ખરે ને ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે,
જંગલને બાઝીને બેઠું વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે.

વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઈ ખાઈ ને ઊંડી ખીણો,
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે.

સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે,
સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.

તમે હોવ મુશ્તાક તમારી તલવારો પર દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે,
હાથ જરા સરકાવો પાછળ સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.

taintedsong.com taintedsong.com taintedsong.com

સૌની પાસે સૌની પ્યાલી – શ્યામલ મુન્શી

May 7th, 2009 3 comments

સ્વર: શ્યામલ મુન્શી

છે સૌની પાસે સૌની પ્યાલી,
કોઈ ભરેલી સાવ છલોછલ;
કોઈની ઉણી, કોઈ છે ખાલી.

કોણ આ કંઠે પ્યાસ જગાવે,
ધબકારાનાં ઘૂંટ ભરાવે;
કેટલી ભરી કોઈ ન જાણે,
તોય લીધી છે હાથમાં ઝાલી.

ઘૂંટ ભરાતા ખીલતી કાયા,
આંખમાં રૂડા રંગની છાયા;
મનમાં જાગે માદક માયા,
લોહીમાં ફુટે પ્રીત નિરાલી.

ફૂટતી વાણી ને વહેતી વાતો,
જામતી સંગત ને જામતો નાતો;
કોઈ આવીને સાથમાં પીતું,
કોઈ મૂકીને જાય છે ચાલી.

taintedsong.com taintedsong.com taintedsong.com

મદિરા – મરીઝ

April 22nd, 2009 3 comments

સ્વર/સ્વરાંકન: શ્યામલ – સૌમિલ મુન્શી

નથી કોઈ તારામાં વિધિ મદિરા,
ગમે ત્યાં ગમે ત્યારે પીધી મદિરા.

ગળેથી જ્યાં ઉતરી કે તોફાની થઈ ગઈ,
હતી જામમાં સાવ સીધી મદિરા.

સતત કરવા પડતા સુરાલયનાં ફેરા,
નિરાંતે કદી મેં ના પીધી મદિરા.

‘મરીઝ’ એની ન્યામતનું શું પૂછવાનું,
ફળોમાં, અનાજોમાં પીધી મદિરા.

taintedsong.com taintedsong.com taintedsong.com