સ્વરાંકન: ક્ષેમુ દિવેટિયા
સ્વર: શ્યામલ – સૌમિલ મુનશી
મૌસમનું ખાલી નામ છે, આ તારું કામ છે
રંગોની સુરાહીમાં સુગંધોના જામ છે.
વરસે છે વાદળોથી જે એ તારું વ્હાલ છે,
નખશીખ જે ભીંજાય છે એ હૈયાનું ગામ છે.
શોધીશ તોયે નહીં મળે નકશામાં એ તને,
નકશાની બહારનું છે એ સપનાનું ગામ છે.
હેમંતને, વસંતને વર્ષાની વાત ક્યાં?
તારા જ છે સ્વરૂપ ને તારો દમામ છે.
આને જ તે કહેતા હશે દીવાનગી બધાં,
કોઈ પૂછે ને કહી ના શકું વાત આમ છે.
મઝા મૂકીને દોડતો દરિયો એ આંબશે
રેતીમાં આંગળીથી લખ્યું એનું નામ છે.
ભીની અજાણી ભીંત પરની લીલમાં હજુ,
ગઈકાલે કોતર્યું હતું એ કોનું નામ છે?
મૌસમ તારી યાદની મૌસમ બની ગયી,
મક્તાના શેરમાં હવે છેલ્લી સલામ છે.
સ્વરાંકન: પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર: સૌમિલ મુનશી અને વૃંદ
ધેનુકાની આંખોમાં જોયા મેં શ્યામ હે એના રૂંવે રૂંવે વાંસળી વાગે !
ધેનુકાની ધાબળીમાં ઝૂલે ગોકુલ એની વાંસળીમાં ગોપીઓ ઘેલી,
પારિજાત પાથરીને રુકમણીજી બેઠાં ને રાધિકા તો ઝૂલતી ચમેલી !
હે મનગમતું મોરપિચ્છ લ્હેરાતું જાય અને પોઢેલા જમુનાજી જાગે !
ધેનુકાની આસપાસ ખુલ્લો અવકાશ એના રથમાં બેઠા છે મારા સારથિ,
ગીતાનો સાદ સૂણી ઓસરે વિષાદ એના અંતરમાં આનંદની આરતી !
હે ધેનુકાને ધબકારે ઓધવજી ઝૂલે ને મીરાં એના મોહનને માંગે !
સ્વર: સૌમિલ મુન્શી
રાધાની લટની લહેરાતી કાળાશે
ખોવાયો કાન કેમ શોધું?
આંખુ આકાશ એક રેંગે છવાયું
એમાં વ્હાલમનો વાન કેમ શોધું?
એક તો વૃંદાવનની કેડી
ને કેડી પર ઉગ્યાં કદંબ જેવા ઝાડ,
હળવો હડસેલો લાગે લહેરીનો
સૌરભના અણધાર્યા ઉઘડે કમાડ.
સમજુ સૈયર તમે ઘરભેગી થાઓ
ક્યાં હું ભૂલી હું ભાન કેમ શોધું?
ઉડતા વિહંગ કેરાં ટહુકા વન્ય હશે
વહેતી હવાની કોઈ લહેરમાં,
ગોકુળનો મારગ તો ઢુંકડો લાગે
ને હવે સમજાવો કેમ જવું ફેરમાં.
યમુનાના વહેણમાં તરંગાતું ગાન
એમાં મનગમતી તાન કેમ શોધું?
સ્વર: શ્યામલ – સૌમિલ મુન્શી
સે સોરી માય સન, સે સોરી
છ છ કલાક સ્કૂલ, ત્રણ ત્રણ કલાક ટ્યુશન,
ને તોય આ નોટ તારી કોરી, સે સોરી..
ઘસી ઘસી પીવડાવી અઢળક બદામ,
અને માથે તે ચોપડ્યું ઘી.
યાદદાસ્ત માટે શંખપુષ્પીની કંઈ
બાટલીઓ પેટમાં ભરી.
કેમે કરી યાદ રહેતું તને લેસન,
યાદ રાખે તું સીરીયલની સ્ટોરી, સે સોરી..
પંખીઓ બચ્ચાને ઉડતાં શીખવે,
માણસ બચ્ચાને આપે પિંજરું,
મમ્મી તો મોરની પ્રેક્ટીસ કરાવે,
થાય બાળકને ટહુકા ચીતરું.
મમ્મી ક્યાં જાણે કે કોઈ નોટબુકમાં
બાળક લાવ્યું છે આભ આખું દોરી, સે સોરી..
તારે હો ઊંઘવું ને ત્યારે જગાડું
ને જાગવું હો ત્યારે સુવાડાવું,
પરીઓના દેશમાંથી ઉડતો ઝાલીને
તને રીક્ષામાં ખીચો ખીચ ઢાસું.
ભણતરનો ભાર એવો દફતરનો ભાર,
જાણે ઊંચકે મજૂર કોઈ બોરી, સે સોરી..
સ્વર: સૌમિલ મુન્શી, પરાગી પરમાર
વીજ ચમકે છે પણે ને આપણે સાથે નથી,
આંસુ અટક્યાં પાંપણે ને આપણે સાથે નથી.
આંખ આંસુ થઇ ગઈ ને આપણે સાથે નથી,
આભ પાણી થઇ ગયું ને આપણે સાથે નથી.
મેઘ આ વરસ્યા કરે ને આપણે સાથે નથી,
આ ધારા કંપ્યા કરે ને આપણે સાથે નથી.
ટાઢ બેઠી તાપણે ને આપણે સાથે નથી,
પાંખ ફૂટી આભને ને આપણે સાથે નથી.
સ્વર: શ્યામલ – સૌમિલ મુન્શી
કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?
કૂંપળની પાંસે શું કુમળી કોઈ હથોડી છે?
સમસ્ત સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે,
હું નથી માનતો આ ચન્દ્ર તો ગપોડી છે.
તમારે સાંજને સામે કિનારે જાવું હો,
તો વાત-ચીતની હલ્લેસાં સભર હોડી છે.
ગઝલ કે ગીત ને વારાફરતી પહેરે છે,
કવિ પાસે શું વસ્ત્રોને બે જ જોડી છે?
સ્વર: શ્યામલ – સૌમિલ મુન્શી
લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું.
આપની નજરો જે ફરમાવી રહી,
એ ગઝલ જો યાદ આવે તો કહું.
શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઇ થોડું ખળભળાવે તો કહું.
હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
એકદમ નજદીક આવે તો કહું.
કોઈને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું.
સ્વર: શ્યામલ – સૌમિલ મુન્શી
પાનખરોમાં પાન ખરે ને ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે,
જંગલને બાઝીને બેઠું વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે.
વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઈ ખાઈ ને ઊંડી ખીણો,
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે.
સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે,
સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.
તમે હોવ મુશ્તાક તમારી તલવારો પર દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે,
હાથ જરા સરકાવો પાછળ સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.
સ્વર/સ્વરાંકન: શ્યામલ – સૌમિલ મુન્શી
નથી કોઈ તારામાં વિધિ મદિરા,
ગમે ત્યાં ગમે ત્યારે પીધી મદિરા.
ગળેથી જ્યાં ઉતરી કે તોફાની થઈ ગઈ,
હતી જામમાં સાવ સીધી મદિરા.
સતત કરવા પડતા સુરાલયનાં ફેરા,
નિરાંતે કદી મેં ના પીધી મદિરા.
‘મરીઝ’ એની ન્યામતનું શું પૂછવાનું,
ફળોમાં, અનાજોમાં પીધી મદિરા.
સ્વર: સૌમિલ મુન્શી
સ્વરાંકન: શ્યામલ – સૌમિલ મુન્શી
ના, ના, નહીં ધિક્કારવા જેવો,
માણસ અંતે ચાહવા જેવો.
ખુણા ખાંચા હોય છતાંયે,
માણસ એતો મન મૂકીને
ગીત ગઝલમાં ગાવા જેવો.
માણસ અંતે ચાહવા જેવો.
હિમશીખાની શાતા જેવો,
વડવાનલ કે લાવા જેવો,
અવસર માતમ લાવા જેવો,
અંત વિનાના પ્રશ્નો પૂછે.
માણસ કેવો? માણસ તો માણસના જેવો.
જેવો તેવો હોય છતાંયે
સાચા દિલની વાહ-વાહ જેવો
માણસ અંતે ચાહવા જેવો.