Home > કાવ્યપઠન, રમેશ પારેખ > ભગવાનનો ભાગ – રમેશ પારેખ

ભગવાનનો ભાગ – રમેશ પારેખ


Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


પઠન: રમેશ પારેખ

નાનપણમાં બોરાં વીણવા જતા.
કાતરા પણ વીણતા.
કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા.
ટેટા પાડતા.
પછી બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી
ઢગલી કરતા ને ભાગ પાડતા –
– આ ભાગ ટીકુનો.
– આ ભાગ દીપુનો.
– આ ભાગ ભનિયાનો, કનિયાનો..
છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા –
‘આ ભાગ ભગવાનનો!’

સૌ પોતપોતાની ઢગલી
ખિસ્સામાં ભરતા,
ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી
રમવા દોડી જતા.

ભગવાન રાતે આવે, છાનામાના
ને પોતાનો ભાગ ખાઈ જાય – એમ અમે કહેતા.

પછી મોટા થયા.
બે હાથે ઘણુંય ભેગું કર્યું;
ભાગ પાડ્યા – ઘરના, ઘરવખરીના,
ગાય, ભેંસ, બકરીના.
અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો?

રબીશ! ભગવાનનો ભાગ?
ભગવાન તે વળી કઈ ચીજ છે?

સુખ, ઉમંગ, સપનાં, સગાઈ, પ્રેમ –
હાથમાં ઘણું ઘણું આવ્યું..

અચાનક ગઈ કાલે ભગવાન આવ્યા;
કહે, લાવ, મારો ભાગ..

મેં પાનખરની ડાળી જેવા
મારા બે હાથ જોયા, ઉજ્જડ.
એકાદ સૂકું તરણુંયે નહીં.
શેના ભાગ પાડું ભગવાન સાથે?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં,
તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને.

વાહ! – કહી ભગવાન મને અડ્યા,
ખભે હાથ મૂક્યો,
મારી ઉજ્જડતાને પંપાળી,
મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી.

તેણે પૂછ્યું: ‘ કેટલા વરસનો થયો તું?’
‘પચાસનો’ હું બોલ્યો.

‘અચ્છા..’ ભગવાન બોલ્યા: ‘૧૦૦માંથી
અડધાં તો તેં ખરચી નાખ્યાં..
હવે લાવ મારો ભાગ!’
ને મેં બાકીના પચાસ વરસ
ટપ્પ દઈને મૂકી દીધાં ભગવાનના હાથમાં!

ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય.

હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં.
જોઉં છું રાહ –
કે ક્યારે રાત પડે
ને ક્યારે આવે છાનામાના ભગવાન
ને ક્યારે આરોગે ભાગ બનેલા મને
ને ક્યારે હું ભગવાનનાં મોંમાં ઓગળતો ઓગળતો..

Please follow and like us:
Pin Share
  1. May 18th, 2012 at 12:31 | #1

    Very true! Most desirable but unfortunately, mostly, not possible….
    It would be a dream come true for all disillusioned people-actually a pleasant relief and release to a better place? not really, no one knows.

  2. vimala
    May 18th, 2012 at 15:40 | #2

    વાહ, વાહ ,ખુબ સરસ .
    ર .પા . ને નમન .

  3. Ravi Acharya
    May 21st, 2012 at 06:00 | #3

    વાહ ખૂબ જ સરસ
    એક નાની કવિતા ઘણું બધું કહી જાયે છે
    સવેન્દ્શીલ સુંદર
    સાત્વિક

  4. Jogendra Patel
    August 1st, 2012 at 15:08 | #4

    આનાથી સુંદર શું હોઈ શકે. મને તો ખબર નથી પડતી.
    એક નાની વાત પણ ભવોભવની યાદ કરાવે તેવી

    ખૂબ ખૂબ આભાર રમેશભાઈ

  5. vishnu vaishnav
    September 9th, 2012 at 13:38 | #5

    ધૂની રે dhakhavi

  6. paresh amin
    April 21st, 2013 at 14:30 | #6

    સુંદર, અતિ સુંદર

  7. vasant shah
    May 15th, 2013 at 10:26 | #7

    ભગવાન તો માંગે નહિ ભાગ. આ તો આપ્નોજ ન્યાય. અહી જો દઈશું તો, ત્યાં પાછો લઈશું, આપને તો વાણીયાની જાત ! ભાઈ મારા આપને તો વાણીયાની જાત !

  8. d rangpara
    July 25th, 2013 at 12:44 | #8

    આ કાવ્ય રમેશ પારેખે મુંબઈ ના કવિ સંમેલન માં નગરશેઠ ની ૧ લાખ ની ઓફર ઠુકરાવી દીધી અને કાવ્ય ના ગયું ……………અભિનંદન

    સંજય જોશી

  9. Mayur
    August 14th, 2013 at 23:50 | #9

    નાની આ કવિતા માં બહુ મોટું સત્ય પારેખ સાહેબે સમજાવી દીધું ….!

  1. No trackbacks yet.