અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં – ભાગ્યેશ ઝા

સ્વર: સોલી કાપડિયા

0:00 / 0:00


અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં
અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યાં

અમે દરિયાને તીર એક રેતીનો ઢગલો
તમે રેતીમાં સળવળતું પાણી

તમે દરિયાને વળગેલી ખારી ભીનાશ
અમે માછલીના સ્પર્શની વાણી

અમે રેતી જોઇ ને તમે યાદ આવ્યાં
અમે વાણી ખોઇ ને તમે યાદ આવ્યાં

અમે દરિયામાં ડુબેલી નદીઓના નામ
તમે નદીઓના ડુબેલા ગાન

અમે ડુબવાની ઘટનાનું ભુરું આકાશ
તમે વાદળમાં સાગરનું ભાન

નામ ડુબતું જોયું ને તમે યાદ આવ્યાં
આભ ઉગતું જોયું ને તમે યાદ આવ્યાં