માઘમાં મેં મોકલ્યાં તેડાં – હરીન્દ્ર દવે

May 25th, 2021 2 comments
સ્વરકાર:ક્ષેમુ દિવેટિયા
સ્વર:આરતિ મુન્શી, સંજય ઓઝા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

માઘમાં મેં મોકલ્યાં તેડાં તો આવે ગોરી
ફાગણમાં રમીએ ગુલાલે
ચૈતર ચઢેને અમે આવશું હો રાજ
તારે ધૂળિયે આંગણ કોણ મ્હાલે. માઘમાં …

આવો તો રંગ નવો કાલવિયે સંગ સંગ
છલકાવી નેણની પિયાલી
વેણ કેરી રેશમની જાળમાં ધરે ન માય
આ તો છે પંખિણી નિરાળી. માઘમાં …

આવે તો આભ મહીં ઊડીએ બે આપણે
ને ચંદરનો લૂછીએ ડાઘ રે
નાનેરી જિંદગીની ઝાંઝેરી ઝંખનાનો
મારે ન ગાવો કોઈ રાગ રે. માઘમાં …

આવો કે અમથી ઉકેલી ન જાય
તમે પાડી’તી ગાંઠ જે રૂમાલે
આવું બોલે તો મને ગમતું રે વાલમા
આવ્યા વિના તે કેમ ચાલે. માઘમાં …

taintedsong.com taintedsong.com taintedsong.com

હરિ પર અમથું અમથું હેત – રમેશ પારેખ

April 8th, 2021 3 comments
સ્વરકાર:સુરેશ જોશી
સ્વર:રેખા ત્રિવેદી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હરિ પર અમથું અમથું હેત,
હું અંગૂઠા જેવડી ને મારી વ્હાલપ બબ્બે વેંત.
અમથી અમથી પૂજા કરું ને અમથા રાખું વ્રત,
અમથી અમથી મંગળ ગાઉં, લખું અમસ્તો ખત;
અંગે અંગે અમથી અમથી અગન લપેટો લેપ,
હરિ પર અમથું અમથું હેત.

અમથું અમથું બધું થતું તે તને ગમે કે નઈં?’
એમ હરિએ પૂછ્યું ત્યારે બહુ વિમાસણ થઈ;
કોઈ બીજું પૂછત તો એને ઝટપટ ના કહી દેત,
હરિ પર અમથું અમથું હેત.

taintedsong.com taintedsong.com taintedsong.com

ચાલો સખી! વૃંદાવન જઈએ – નરસિંહ મહેતા

March 28th, 2021 1 comment
સ્વરકાર:અતુલ દેસાઈ
સ્વર:અમર ભટ્ટ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ચાલો સખી! વૃંદાવન જઈએ,
જિહાં ગોવિંદ ખેલે હોળી;
નટવર વેશ ધર્યો નંદ નંદન,
મળી મહાવન ટોળી… ચાલો સખી !

એક નાચે એક ચંગ વજાડે,
છાંટે કેસર ઘોળી;
એક અબીરગુલાલ ઉડાડે,
એક ગાય ભાંભર ભોળી… ચાલો સખી !

એક એકને કરે છમકલાં,
હસી હસી કર લે તાળી;
માંહી માંહી કરે મરકલાં,
મધ્ય ખેલે વનમાળી… ચાલો સખી !

વસંત ઋતુ વૃંદાવન પ્રસરી,
ફૂલ્યો ફાગણ માસ;
ગોવિંદગોપી રમે રંગભર,
જુએ નરસૈંયો દાસ… ચાલો સખી !’

સ્વરાંકન પંડિત અતુલ દેસાઈનું છે. છેલ્લી પંક્તિમાં નરસિંહે સાક્ષીભાવે કૈંક જોયું એવો ભાવ છે. પ્રથમ પંક્તિમાં ગોવિંદની હોળી જોવા જવા માટેનું આમંત્રણ છે. આમંત્રણ કાફી રાગ અને સાત માત્રાના ઠેકામાં અને નરસિંહે જોયેલાં હોળીનાં જુદાંજુદાં દ્રશ્યો આઠ માત્રાના ઠેકામાં છે. નાટકમાં જેમ દ્રશ્ય બદલવા પડદો પડે કે લાઇટ્સ બંધ થાય તેમ અહીં દ્રશ્ય બદલવા તાલ બદલવાની ટેકનિક અતુલભાઈએ સફળતાપૂર્વક અજમાવી છે. છેલ્લે રાગ બસંત બહાર ને પછી મૂળ કાફી પર આવી ચલતીમાં જ ગીત પૂરું થાય છે.

‘ચાલો સખી’ એ શબ્દો જયદેવના ‘ગીતગોવિંદ’ની આ પંક્તિ યાદ કરાવશે –
चल सखि कुन्जम् सतिमिरपुंजम् शीलय नीलनिचोलम्॥

(એક આડવાત: નરસિંહ મહેતાના ‘હારસમેનાં પદો’માં કબીર, નામદેવ ને જયદેવનો નામોલ્લેખ છે. કૃષ્ણને એ વિનવે છે કે આ બધા સંતોને/ભક્તોને તેં કેટલું આપ્યું ને મને એક હાર તું નથી આપતો?-
‘દેવા! હમચી વાર કાં બધિર હોઈલા? આપુલા ભક્ત કાં વીસરી ગઈલા?
ધ્રુવ, પ્રહલાદ, અમરીશ વિભીષણ, નામાચે હાથ તે દૂધ પીઉલા.
મ્લેચ્છ જન માટે તેં કબીરને ઉદ્ધાર્યો, નામાચાં છાપરાં આપ્યાં છાહી
જયદેવને પદ્માવતી આપી, મુંને નાગર માટે રખે મેલ વાહી ‘)

નરસિંહ મહેતાનું વસંતનું અને એમાંથી વ્યક્ત થતા આનંદ ઉલ્લાસનું પદ સાંભળો. – અમર ભટ્ટ

taintedsong.com taintedsong.com taintedsong.com

મને આવું ભીંજાવું ના ફાવે – ચૈતાલી જોગી

April 22nd, 2016 23 comments
સંગીત: સુગમ વોરા
સ્વરકાર:સુહાની શાહ
સ્વર:સુહાની શાહ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

વાદલડી રોજ મારા આંગણિયે આવીને
છાંટાની રમઝટ બોલાવે,
ધક્કો મારીને એને એટલું જ કહું,
મને આવું ભીંજાવું ના ફાવે .

ટીપેટીપાંમાં હોય લથબથતું વ્હાલ,
મને બોલાવે ઝટઝટ તું ચાલ,
શરમાતી જોઈ, મને ગભરાતી જોઈ કહે,
ભીંજાતા શીખવું હું ચાલ.
લૂચ્ચો વરસાદ, મને ટાણે-કટાણે
ભીંજવવાના બ્હાના બનાવે,
ધક્કો મારીને એને એટલું જ કહું,
મને આવું ભીંજાવું ના ફાવે .

આંખોની ટાઢક બહુ દૂર જઈ બેઠી છે
કેમ એને પાછી હું લાવું ?
પાણીએ બાંધ્યુ છે પાણીથી વેર
તને વાત હવે કેમે સમજાવું ?
પળભરમાં ધોધમાર, પળમાં તું શાંત,
અલ્યા, વરસીને આવું તરસાવે ?
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું ના ફાવે…

taintedsong.com taintedsong.com taintedsong.com

જવાય છે – અમૃત ઘાયલ

March 21st, 2016 7 comments
પ્રસ્તાવના: અમર ભટ્ટ
આલ્બમ:શબ્દનો સ્વરાભિષેક
સ્વરકાર:અમર ભટ્ટ
સ્વર:દીપ્તિ દેસાઈ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

એવુંય ખેલ ખેલમાં ખેલી જવાય છે,
હોતી નથી હવા અને ફેલી જવાય છે.

ઊંઘી જવાય છે કદી આમ જ ટહેલતાં,
ક્યારેક ઊંઘમાંય ટહેલી જવાય છે.

આવી ગયો છું હું ય ગળે દોસ્તી થકી,
લંબાવે કોઈ હાથ તો ઠેલી જવાય છે.

બલિહારી છે બધીય ગુલાબી સ્મરણ તણી,
આંખો કરું છું બંધ, બહેલી જવાય છે.

મળતી રહે સહાય નશીલી નજરની તો,
આંટીઘૂંટી સફરની ઉકેલી જવાય છે.

લાગે છે થાક એવો કે ક્યારેક વાટમાં,
સમજી હવાને ભીંત અઢેલી જવાય છે.

‘ઘાયલ’, ભર્યો છે એટલો પૂરો કરો પ્રથમ,
અહીંયાં અધૂરો જામ ના મેલી જવાય છે.

taintedsong.com taintedsong.com taintedsong.com