અડાબીડ ઉગ્યા આડેધડ – રાજેન્દ્ર શુક્લ

કાવ્યનું કવિ દ્વારા પઠન



અડાબીડ ઉગ્યા આડેધડ
કોઈ કહે કેસરની ક્યારી, કોઈ કહે કે ખડ,
અમને તો કંઈ ખબર પડે નંઈ
તું આવીને અડ.

લ્હેરે લ્હેરે અમે લ્હેરિયે
મૂળ ને માટી ગરથ,
ચારે બાજુ આભ વેરિયે,
ઉકલે ત્યારે અરથ,
તું જો ઝાકળ હોય તો અમથું પાંદ ઉપરથી દડ.

અમે આવડ્યું એવું ઉભા,
અડધા પડધા તડકે,
ઝીલેલું યે ઝલાય છે કયાં,
અડધું પડધું અડકે,
તું જો વીજળી હોય તો આવી આખેઆખું પડ.