આલ્બમ: મોસમ પ્રેમની

સ્વરકાર: ગૌરાંગ વ્યાસ

સ્વર: દીપ્તિ દેસાઈ



કલમ વીજની, વાદળ કાગળ, લખું એટલું હું,
વાલમ મારું ચોમાસું તો એક અક્ષરનો તું.

વ્હાલમાં તારા લથબથ ભીંજુ, ભીંજુ અંદર બહાર,
સાજણ મારી આંખમાં છલકે ચોમાસું ચીક્કાર,
આજ એટલું લખતી લીખીતંગ, તને ચાહું છું હું.

રાતાં રાતાં છૂંદણે છાતી પર તેં ચીતર્યા મોર,
આજ ફરીથી નસનસમાં કંઈ કલરવતો કલશોર,
ના કહેવાતું ના સહેવાતું, થાતું શું નું શું?

આજ ફરી વાદળ ઘેરાયાં, આજ ફરી વરસાદ,
આજ આમ તો આંખને વાલમ અનરાધારે યાદ
આજ ફરી સઘળું ભીંજાયું, કોરી કેવળ હું.