તમે આકાશી સૂરજનો ઝળહળ અવતાર – મુકેશ જોષી

આલ્બમ: મિજાજ

સ્વર: નયનેશ જાની



તમે આકાશી સૂરજનો ઝળહળ અવતાર
અમે પાછલી તે રાતના તારા
તમે દરિયાની સમજણનો ઘેરો વિસ્તાર
અમે આછેરી ઝરણાની ધારા

તમે શબ્દોમાં પોઢેલો મખમલીયો અર્થ
અમે પ્રશ્નો, ઉદ્ગાર ને વિરામ
તમે પળવાર પહોંચવાનો સીધો રસ્તો
અમે રસ્તામાં આવતા મુકામ
તમે કાગળ પર લાગણીની ખળખળતી ધાર
અમે હાંસિયાના જાણે કિનારા
તમે દરિયાની સમજણનો ઘેરો વિસ્તાર
અમે આછેરી ઝરણાની ધારા

તમે ચંદનના ઝાડવેથી ઝરતી સુગંધ
અમે સુક્કા તે બાવળની ડાળ
તમે આભ લગી જવાની ઉંચી કેડી
અમે કેડીનો ઉતરતો ઢાળ
તમે બાગના એ ફૂલોનો જાણે શણગાર
અમે માટીના કૂંડા ને ક્યારા
તમે દરિયાની સમજણનો ઘેરો વિસ્તાર
અમે આછેરી ઝરણાની ધારા

તમે શ્રધ્ધાની ઝળહળતી સોનેરી જ્યોત
અમે કોડિયામાં અંધારું ઘોર
તમે શબરીના હોઠ પર મલકાતું નામ
અમે શબરીના ચાખેલા બોર
તમે મંદિરની સન્મુખ છો ઝાલર રણકાર
અમે દૂર રહી વાગતા નગારા
તમે દરિયાની સમજણનો ઘેરો વિસ્તાર
અમે આછેરી ઝરણાની ધારા