સ્વરાંકન: પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર: સચિન લિમયે
હાં રે હરિ વસે હરિના જનમાં,
હાં રે તમે શું કરશો જઈ વનમાં.
હાં રે હરિ..
ભેખ ધરીને તમે શીદ ભટકો છો,
પ્રભુ નથી વન કે અરણ્યમાં;
કાશી જાઓ, ગંગાજી ન્હાવો,
પ્રભુ નથી પાણી કે પવનમાં.
હાં રે હરિ..
જોગ કરો ને ભલે જગન કરવો,
પ્રભુ નથી હોમ હવનમાં;
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
હરિ વસે છે હરિજનમાં.
હાં રે હરિ..
સ્વર: દીપાલી સોમૈયા
કાનુડો શું જાણે મારી પીડ?
બાઈ અમે બાળ કુંવારા રે.
કાનુડો શું જાણે..
જળ રે જમુનાના અમે ભરવાને ગ્યા’તા વાલા,
કાનુડે ઉડાડયા આછાં નીર, ઉડયા ફરરર રે.
કાનુડો શું જાણે..
વૃંદા રે વનમાં વા’લે રાસ રચ્યાં છે,
સોળસે ગોપીના તાણ્યા ચીર, ફાટ્યાં ચરરર રે.
કાનુડો શું જાણે..
જમુનાને કાંઠે વા’લો ગોધણ ચારે રે,
વાંસળી વગાડી ભાગ્ય ઢોર, ભાગ્યાં હરરર રે.
કાનુડો શું જાણે..
હું વરણાગી કાના તમારા રે નામની રે,
કાનુડે માર્યાં છે અમને તીર, વાગ્યાં અરરર રે.
કાનુડો શું જાણે..
બાઈ મીરાં કે પ્રભુ ગીરીધર નાગર,
કાનુડે બાળીને કીધા ખાક, રાખ ઉડી ખરરર રે.
કાનુડો શું જાણે..
સ્વર: દિપાલી સોમૈયા
મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા
મુખડાની માયા લાગી રે..
મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું
મન મારું રહ્યું ન્યારું રે..
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે
સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું
તેને તુચ્છ કરી દેવું રે..
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે
સંસારીનું સુખ કાચું, પરણી ને રંડાવું પાછું
તેને તો શીદ જાચું રે..
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે
પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો
મેં તો કરસાયો તારો રે..
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે
મીરાંબાઈ બલિહારી, આશા મુને એક તારી
સંસારથી રહી ન્યારી રે..
મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે
સ્વર: પ્રીથા મજુમદાર
ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે.
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.
વિષનો પ્યાલો રાણે મોકલ્યો, દેજો મીરાંને હાથ;
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રી વિશ્વનો નાથ.
સાંઢવાળા સાંઢ શણગાર, જે મારે જાવું સો સો કોસ;
રાણાજીનાં દેશમાં મારે જળ પીવાનો દોષ.
ચૂંદડી ઓઢું ત્યારે રંગ જુવે રે, રંગબેરંગી હોય;
ઓઢું જો કાળો કામળો તું જો ડાઘ ના લાગે કોય.
મીરાં હરિની લાડલી રે, રહેતી સંત હજુર;
સાધુ સંગાથે સ્નેહ ઘણો, પેલા કપટીથી દૂર.
આલ્બમ: આસ્થા
સ્વર: વિધિ મહેતા
હેજી રે કરમનો સંગાથી, રાણા મારું કોઈ નથી..
હેજી રે કરમનો સંગાથી, રાણા મારું કોઈ નથી..
હો.. એક રે ગાયુનાં દો-દો વાછરું,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એક રે બન્યો શિવજીનો પોઠિયો,
બીજો ઘાંચીડાને ઘેર.. હેજી રે કરમનો સંગાથી..
હો.. એક રે માતાનાં દો-દો દીકરા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એકને માથે રે છત્તર બિરાજે,
બીજો ભારા વેચી ખાય.. હેજી રે કરમનો સંગાથી..
હો.. એક રે માટીનાં દો-દો મોરિયા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એક રે મોરિયો શિવજીની ગળતી,
બીજો મસાણે મૂકાય.. હેજી રે કરમનો સંગાથી..
હો.. એક રે પત્થરનાં દો-દો ટુકડા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એક રે બન્યો શિવજીની મૂર્તિ,
બીજો ગંગાજીને ઘાટ..
હેજી રોહીદાસ ચરણે મીરાંબાઈ બોલીયા,
દેજો અમને સંત ચરણે વાસ.. હેજી રે કરમનો સંગાથી..
મને કૃષ્ણ કનૈયાની મોરલી ગમે,
મને જશોદાના લાલની મોરલી ગમે,
રાત-દિવસ મારા મનમાં વસી,
રાત-દિવસ મારા દિલમાં વસી,
મને કૃષ્ણ કનૈયાની…
વા’લા વનમાં તેં મોરલી વગાડી હતી,
તમે સુતી ગોપીને જગાડી હતી,
મને કૃષ્ણ કનૈયાની…
વા’લા મોરલીમાં આવું શું જાદુ કર્યું,
તમે સારું ગોકુળીયું ઘેલું કર્યું,
મને કૃષ્ણ કનૈયાની…
મીરાં મસ્ત બની છે સાધુ-સંતમાં રે,
એતો વહી ગઈ રણછોડજીનાં અંગમાં રે,
મને કૃષ્ણ કનૈયાની…
સ્વર: કિશોર મનરાજા
જુનું તો થયું રે દેવળ, જુનું તો થયું,
મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું
આરે કાયા રે હંસા, ડોલવાને લાગી
પડી ગયા દાંત માયલી રેખુ તો રહી
મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું
તારે ને મારે હંસા પ્રિત્યુ રે બંધાણી
ઉડી ગયો હંસ પિંજર પડી તો રહ્યું
મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું
બાઇ મીરાં કહે પ્રભુ ગિરીધરના ગુણ
પ્રેમ નો પ્યાલો તમને પાવું ને પિવું
મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું
સ્વર: રેખા ત્રિવેદી
નથી રે પીધાં અણજાણી રે, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી
કોયલ ને કાગ રાણા એક જ વરણા રે,
કડવી લાગે છે કાગવાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી
ઝેર નાં કટોરા જ્યારે રાણાજી મોકલે,
તેનાં બનાવ્યા દૂધ-પાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી
રીસ કરીને રાણો ખડગ ઉપાડે રે,
ક્રોધ રૂપે દરસાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી
સાધુ નો સંગ મીરાં છોડી દિયો રે,
તો તુને કરુ પટરાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી
બાઇ મીરાં કહે પ્રભુ ગીરીધરનાગર,
મન રે મળ્યાં કાનુદાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી
નથી રે પીધાં અણજાણી રે, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી
સ્વર: દિપાલી સોમૈયા
રામ રાખે તેમ રહીએ…. ઓધવજી… રામ રાખે તેમ રહીએ..
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ… રામ રાખે તેમ રહીએ…
કોઇ દિન પહેરણ હિર ને ચીર તો કોઇ દિન સાદા ફરીએ,
કોઇ દિન ભોજન શિરો ને પૂરી તો કોઇ દિન ભુખ્યાં રહીએ,
ઓધવજી.. રામ રાખે તેમ રહીએ…
કોઇ દિન રહેવાને બાગ-બગીચા તો કોઇ દિન જંગલ રહીએ,
કોઇ દિન સુવાને ગાદી ને તકીયા તો કોઇ દિન ભોંય પર સુઇએ,
ઓધવજી.. રામ રાખે તેમ રહીએ…
બાઇ મીરાં કહે પ્રભુ ગીરીધરના ગુણ સુખ-દુ:ખ સર્વે સહીએ
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ… ઓધવજી.. રામ રાખે તેમ રહીએ…