આલ્બમ: મીરાંબાઈ
ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે.
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.
વિષનો પ્યાલો રાણે મોકલ્યો, દેજો મીરાંને હાથ;
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રી વિશ્વનો નાથ.
સાંઢવાળા સાંઢ શણગાર, જે મારે જાવું સો સો કોસ;
રાણાજીનાં દેશમાં મારે જળ પીવાનો દોષ.
ચૂંદડી ઓઢું ત્યારે રંગ જુવે રે, રંગબેરંગી હોય;
ઓઢું જો કાળો કામળો તું જો ડાઘ ના લાગે કોય.
મીરાં હરિની લાડલી રે, રહેતી સંત હજુર;
સાધુ સંગાથે સ્નેહ ઘણો, પેલા કપટીથી દૂર.