આલ્બમ: ગીત ગુંજન
સ્વર: હેમા દેસાઈ
0:00 / 0:00
પેલ્લા વરસાદનો છાંટો મુને વાગિયો
હું પાટો બંધાવાને હાલી રે,
વ્હેંત વ્હેંત લોહી મારું ઊંચું થિયું ને
જીવને તો ચડી ગઈ ખાલી રે.
સાસુ ને સસરાજી અબઘડીયે આવશે
કાશીની પૂરી કરી જાતરા રે,
રોજિંદા ઘરકામે ખલ્લેલ પોંચાડે મુને
આંબલીની હેઠે પડ્યા કાતરા રે.
પિયુજી છાપરાને બદલે જો આભ હોત
તો બંધાતી હોત હુંય વાદળી રે,
માણસ કરતાં હું હોત મીઠાની ગાંગડી
તો છાંટો વાગ્યો કે જાત ઓગળી રે.
પેલ્લા વરસાદનો છાંટો મુને વાગિયો
હું પાટો બંધાવાને હાલી રે,
વ્હેત વ્હેંત લોહી મારું ઊંચું થિયું ને
જીવને તો ચડી ગઈ ખાલી રે.