આલ્બમ: આસ્થા

સ્વર: હેમંત ચૌહાણ



દેખંદા રે કોઈ આ દિલ માં ય‚
પરખંદા રે કોઈ આ દિલ માં ય,
નિરખંદા રે કોઈ આ દિલ માં ય‚
ઝણણણ ઝણણણ ઝણ ઝાલરી વાગે.

બોલે બોલાવે સબ ઘટ બોલે‚ સબ ઘટમાં તો રહ્યો રે સમાય‚
જિયાં જુવો તિયાં તેવો‚ થીર કરીને થાણા દિયા રે ઠેરાય,
ઝણણણ ઝણણણ ઝણ ઝાલરી વાગે.

નવે દરવાજા નવી રમત કા‚ દસમે મોલે ઓ દર્શાય‚
સોઈ મહેલમાં મેરમ બોલે‚ આપું ત્યાગે ઓ ઘર જાય,
ઝણણણ ઝણણણ ઝણ ઝાલરી વાગે.

વિના તાર ને વિણ તુંબે‚ વિના રે મુખે તો મોરલી બજાય‚
વિના દાંડીએ નોબતું વાગે‚ એસા હે કોઈ વા ઘર જાય,
ઝણણણ ઝણણણ ઝણ ઝાલરી વાગે.

સોઈ દુકાને દડ દડ વાગે‚ કર વિન વાજાં અહોનિશ વાય‚
વિના આરિસે આપાં સૂજે‚ વિના રે દીપકે જ્યોત જલાય,
ઝણણણ ઝણણણ ઝણ ઝાલરી વાગે.

અખર અજીતા અરજ સુણજો‚ અરજ સુણજો એક અવાજ‚
દાસી જીવણ સત ભીમના ચરણાં‚ મજરો માનજો ગરીબનવાજ,
ઝણણણ ઝણણણ ઝણ ઝાલરી વાગે.