હું બધા સંજોગને – સગીર

આલ્બમ: અક્ષર

સ્વર: મનહર ઉધાસ



હું બધા સંજોગને અપનાવતો ચાલ્યો ગયો
જિંદગીને એ થકી શોભાવતો ચાલ્યો ગયો.

મિત્ર શત્રુનાં વિચારોથી હમેંશા પર રહી,
હું હૃદયથી પ્રેમને છલકાવતો ચાલ્યો ગયો.

કોઈ દિ થશે ફળીને બાગ એ આશા મહીં,
બિજને વેરાનમાં હું વાવતો ચાલ્યો ગયો.

બાળપણમાંથી જવાની ને જવાનીથી જરા,
જિંદગીના વસ્ત્રને બદલાવતો ચાલ્યો ગયો.

પાથરું છું ફૂલ એનાં માર્ગમાં હું હર્ષથી,
માર્ગમાં જે કંટકો પથરાવતો ચાલ્યો ગયો.

કોઈ સમજ્યા નહીં તો દોષ છે એનો ‘સગીર’
હું ઈશારામાં ઘણું સમજાવતો ચાલ્યો ગયો.