ક્ષમા કરી દે – શૂન્ય પાલનપુરી

આલ્બમ: સમન્વય ૨૦૦૬

સ્વર: પાર્થિવ ગોહિલ



તોફાનને સમર્પી અણછાજતી મહત્તા,
તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે;
હોડીનું એક રમકડું તૂટ્યું તો થઇ ગયું શું?
મોજાની બળહઠ છે સાગર ક્ષમા કરી દે.

હર શ્વાસ એક મુસીબત, હર શ્વાસ એક વિમાસણ
પળ પળની વેદનાઓ, પળ પળની યાતનાઓ;
તારું દીધેલું જીવન મૃત્યુ સમું ગણું તો,
મારી એ ધૃષ્ટતાને ઈશ્વર ક્ષમા કરી દે.

કાંટો છે લાગણીનો, વજનો છે બુદ્ધિ કેરાં,
તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ,
હે મિત્ર તારા દિલનો પણ તોલ મેં કર્યો છે,
આવે છે એની તોલે પથ્થર ક્ષમા કરી દે.