દ્વારિકાની દુનિયામાં – મહેશ શાહ

આલ્બમ: સમન્વય ૨૦૦૬

સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય



દ્વારિકાની દુનિયામાં કેમ તમે રહેશો?
કેમ કરી તમને તે ફાવશે?
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે.

કેવું બપોર તમે વાંસળીનાં સૂર થકી
વાયરાની જેમ હતા ઠારતા !
પાંપણમાં પૂરેલી ગાયો લઈ સાંજ પળે
તમે પાદરની વાટને મઠારતા.
મોરપિચ્છ ખોસીને ફરતા બેફામ
હવે સોનાનો ભાર કેવો લાગશે?
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે.

માખણની જેમ ક્યાંક હૈયું યે ચોરતા
ને ક્યાંક વળી કરતા ઉદારતા
ગોવર્ધન જીતવા છતાં ય એક રાધાની
તમે પાસે અનાયાસે હારતા.
રાજ તણી રમતોમાં નહીં ચાલે હારીને,
જીતવાનું ઠેર ઠેર આવશે.
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે.