આલ્બમ: સમન્વય ૨૦૦૫
સ્વર: પુરષોત્તમ ઉપાધ્યાય
હે મારે રુદિયે બે મંજીરા,
એક જૂનાગઢનો મહેતો
ને બીજી મેવાડની મીરાં.
કૃષ્ણ કૃષ્ણના રસબસ રણકે,
પડે પરમ પડછંદા;
એક મંજીરે ઝળહળ સૂરજ,
બીજે અમિયલ ચંદા.
શ્વાસ શ્વાસમાં નામ સ્મરણના
સરસર વહત સમીરા.
હે મારે રુદિયે..
હે રાસ ચગ્યો ને હૈડે હોંશે,
હાથની કીધી મશાલ;
વિષનો પ્યાલો હોઠ પામીને,
નરદમ બન્યો નિહાલ.
હરિના જનતો ગહન-ગભીરાં,
જ્યમ જમુનાના નીરાં.
હે મારે રુદિયે..