મોરલાનું તન દીધું ને – મનોજ મુની

સ્વર: સોલી કાપડિયા



મોરલાનું તન દીધું ને હંસલાનું મન,
ગહેકી શક્યોના હું કદી, ભરી ના કદી ઉડન.

વિરાટ દઈને પંખ પછી ટૂંકું દીધું ગગન,
ક્ષિતિજ આવી ગઈ સમીપ ભરી જ્યાં એક ઉડન.
ઉડી ઉડી પડી જવું શું એ ભાગ્યનું કથન?
મોરલાનું તન દીધું ને હંસલાનું મન.

વ્યોમે વિહરતા આયખું ઓછું પડી ગયું,
જોજન થયા મજલું ખૂટી, ક્યાં છે ધરા નો અંત?
વીત્યું વિતાવ્યું ના વીતે તુજ ભોમ પર જીવન.
મોરલાનું તન દીધું ને હંસલાનું મન.

ચાતક તણી પ્યાસ દઈ વરસાવ્યા તેં મૃગજળ
સારસ તણો વિરહ દીધો, વિરહિણીના નયન,
વરસું હવે ક્યાં મન ભરી કહી દે તું એ ભગવાન.
મોરલાનું તન દીધું ને હંસલાનું મન..