વૃક્ષ વૃક્ષ ને ડાળ ડાળ – સુરેશ દલાલ

સ્વર: પાર્થિવ ગોહિલ

વૃક્ષ વૃક્ષ ને ડાળ ડાળ ને પાન પાન ને ફૂલ ફૂલમાં નર્તન,
મારી ધરતી કેવી મલકે… મારી ધરતી કેવી મલકે…
વૃક્ષ વૃક્ષ ને ડાળ ડાળ ને પાન પાન ને ફૂલ ફૂલમાં નર્તન.

આખા તે આકાશ વિષે આ સ્વરનાં સોનલ સાવ સુકોમળ સ્પંદન,
મારો સાગર કેવો છલકે… મારો સાગર કેવો છલકે…
વૃક્ષ વૃક્ષ ને ડાળ ડાળ ને પાન પાન ને ફૂલ ફૂલમાં નર્તન.

હું મારા એક અંકુરેથી વૃક્ષ થઈને વેરું લીલાં ટહુકા,
હું મારું એક જલબીદું થઈ, સાગર થઈ તરતી રાખું નૌકા,
હું મારું એક આભ થઈને ઉજળો ઉજળો તડકો ઓઢી મ્હાલું,
હળવે હળવે ચંદ્ર-કિરણનું પિચ્છ ફેરવું પાંપણ ઉપર સુંવાળું,
હું મારું એક ગીત ગાઉ છું તારે માટે મારા લાખ ઉમળકે,
મારી ધરતી કેવી મલકે… મારો સાગર કેવો છલકે…
વૃક્ષ વૃક્ષ ને ડાળ ડાળ ને પાન પાન ને ફૂલ ફૂલમાં નર્તન.