મારા સાહ્યબાની પાઘડીએ – નીનુ મઝુમદાર

સ્વર: દિપાલી સોમૈયા

સોનેરી રંગ સાંજનો ને ફૂલ ગુલાબી પ્રભાત
નીલ રંગનું આભલું, શ્યામલ વરણી રાત
સઘળાં રંગો મેળવ્યા દિલના રંગની સાથ
તોયે પિયુની પાઘડીયે પડી કોઈ અનોખી ભાત

મેં તો રંગ્યો હતો એને દિલડાંની સંગ
તો યે સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ

રંગ તો એવો જાલીમ જાણે જમદૂતે ઝંખેલો
ક્યાંકથી લાવ્યો પાતાળ ભેદી નાગણનો ડંખેલો
એના ઝેરની ઝાપટ લાગી મને, ફૂટ્યા અંગેઅંગ
તો યે સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ

ચાર દિશામાં ક્યાંય નહીં ને મેઘધનુમાં ન્હોતો
વાલમને મન એજ વસ્યો ને એજ રહ્યો રંગ જોતો
એનો ડાઘ પડ્યો તે મૂળથી ધોવા મથી રહી હું દંગ
તો યે સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ

રંગની ઉપર રંગ ચડે તે મૂળનો તો રંગ ધોળો
સાહ્યબો મારો દિલનો જાણે શિવજી ભોળો ભોળો
કોઈ ભીલડીએ આવી ભોળવી એના તપનો કીધો ભંગ
તો યે સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ