આલ્બમ: જીવન મરણ છે એક
સ્વર: જગજીત સિંહ
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે બધાના વિચાર દે.
પિઠામાં મારું માન સતત હાજરીથી છે,
મસ્જીદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે.
આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.
નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું,મને એ ચિતાર દે.
આ નાનાં નાનાં દર્દ તો થાતા નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.
સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.
દુનિયામા કંઈકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.