ઊંચે ઊંચે જવામાં – પંચમ શુક્લ

કવિના પોતાનાં અવાજમાં પઠન



મૂળ ઊંડા જશે તો ઝાડ ઊંચે જશે,
ઊંચે ઊંચે જવામાં આભ ઊંચે જશે.

ટેરવા પર અમસ્તી ચામડી નઈ રહે,
સ્પર્શ સંવેદનાય કયાંય ઊંચે જશે!

પુષ્પની મ્હેક કિંવા સર્પના દંશથી,
રકતનો ચાપ એક-માન ઊંચે જશે.

માત્ર હું નહિ મટું કે માત્ર તું નહિ મટે,
આપણાં યુગ્મનોય ન્યાસ ઊંચે જશે.

ખેર! એ પળ તણીય રાહ પણ ઈષ્ટ છે,
રાહ સંદિગ્ધ છે તો સાહ ઊંચે જશે!
——————————————-
માન: માપ

સાહ: શરાફ, સાધુ પુરુષ, મદદ