મને મારગે મળ્યા’તા શ્યામ – હરિન્દ્ર દવે

આલ્બમ: સમન્વય ૨૦૦૯

સ્વરકાર: રસિકલાલ ભોજક

સ્વર: હિમાલી વ્યાસ નાયક



મને મારગે મળ્યા’તા શ્યામ, કોણ માનશે?
એક મીટમાં મળ્યા’તા શ્યામ, કોણ માનશે?

એને માથાનું મોરપિચ્છ વ્હાલે ધર્યું,
એની મોરલીની મીઠપથી છલક્યું ગળું,
મારી સંગે હળ્યા’તા શ્યામ, કોણ માનશે?

એની આંખડીથી વૃંદાવન છલકી ગયું,
એના હોઠને વળાંક વ્હાલ મલકી ગયું,
મારે હૈયે ઢળ્યા’તા શ્યામ, કોણ માનશે?