આલ્બમ: સમન્વય ૨૦૦૯
સ્વરકાર: પરેશ ભટ્ટ
સ્વર: શિવાંગી દેસાઈ
કોઈના અણસારે તમે દૂર જઈ બેઠા
હવે પાસે આવો તો મારી આણ છે
તમને તો ઠીક જાણે છબછબીયા વ્હેણમાં
પણ ઊંડા વમળાય એ આ પ્રાણ છે.
કોઈના હલેસાંથી વ્હેણના કપાય
નહીં માપ્યા મપાય વ્હેણ પ્યારના
દરિયાને નાથવાની લ્હાયમાં ને લ્હાયમાં
કાંઠા તણાઈ ગયા ક્યારના
સઢ નાલી રાખી હવે બાંધી છે નાવ
એની વાયરાને થોડી તો જાણ છે.
લીલીછમ વાડીમાં ગોફણના ઘાવ
હવે ઠાલા હોંકારા હવે ઠાલા
પંખી તો ટાઢકથી ચુગે છે આમ તેમ
ઉડે છે ચાડીયાના માળા
વેલને તાણો તો સમજીને તાણજો
આસપાસ થડનીયે તાણ છે.