જીવી લઈશું – મહેક ટંકારવી

પ્રસ્તુત છે લેન્કેશાયરના જાણીતા શાયર શ્રી મહેક ટંકારવીની (ગુજરાતી રાઈટર્સ ગિલ્ડ, યુકેના પ્રમુખ) ગઝલ એમનાં તરન્નુમમાં.
ગઝલ મોકલી આપવા માટે પંચમભાઈનો ખુબ ખુબ આભાર.



આ ઝિંદગીની ચાર ઘડી એ રીતે જીવી લઈશું,
બે ઘડી હસી લઈશું, બે ઘડી રડી લઈશું.

બે દિવસ તમન્નામાં, બાકી બે પ્રતીક્ષામાં,
બાદશાહ ઝફર માફક આહ પણ ભરી લઈશું.

આ નફરતોની નગરીમાં પ્રેમ ગીત ગાવું છે,
ભરબજારે મજનૂ થઈ તૂ હિ તૂ કરી લઈશું.

બોજ વાસ્તવિકતાનો થઈ જશે અસહ્ય જ્યારે,
આંખ બે ઘડી મીંચી સ્વપ્નમાં સરી લઈશું.

હો કિનારા પર આંધી કે પછી હો મઝધારે,
નામ આપનું લઈને સાગરો તરી લઈશું.

નામ, ઠામ ના પૂછો… ઓળખી તમે લેશો,
મહેફિલે ‘મહેક’ થઈને જ્યારે મઘમઘી લઈશું.