કૂંચી આપો બાઈજી – વિનોદ જોષી



કૂંચી આપો, બાઈજી !
તમે કિયા પટારે મેલી મારા
મૈયરની શરણાઈ જી !

કોઈ કંકુ થાપા ભૂંસી દઈ
મને ભીંતેથી ઊતરાવો,
કોઈ મીંઢણની મરજાદા લઈ
મને પાંચીકડાં પકડાવો.

ખડકી ખોલો બાઈજી !
તમે કિયા કટાણે પોંખી મારા
કલરવની કઠણાઈજી !

તમે ઘરચોળામાં ઘુઘરિયાળી
ઘરવખરી સંકેલી,
તમે અણજાણ્યા ઉંબરિયેથી
મારી નદિયું પાછી ઠેલી !

મારગ મેલો બાઈજી !
તમે કિયા કુહાડે વેડી મારા
દાદાની વડવાઈજી !