ગુજરાતી – ઉમાશંકર જોશી

સ્વરકાર: અમિત ઠક્કર

સ્વર: ભૂમિક શાહ



સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.

રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી;

કરે બોલતા જે, ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.

મળી હેમ આશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીરા;

પૂજી નર્મદે, કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનાલાલે કલ્પના ભવ્ય તેજે;

ધ્રુવા સત્ય-સાથી અહિંસા- સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.