અમે ગીત ગગનનાં ગાશું – ઉમાશંકર જોશી

આલ્બમ: હસ્તાક્ષર

સ્વર: સાધના સરગમ



અમે ગીત ગગનનાં ગાશું રે,
અમે ગીત મગનમાં ગાશું,
કલ-કલ પૂજન સુણી પૂછશો તમે,
અરે છે આ શું?
અમે ગીત ગગનનાં ગાશું રે..

સૂર્ય ચંદ્ર ને દીયો ઓલવી,
ઠારો નવલખ તારા,
હથેળી આડી રાખી રોકો,
વરસંતી જલધારા,
અમે સૂર સરિતમાં ન્હાશું રે..

પંખી માત્રને મુનિવ્રત આપો,
ચૂપ કરી દો ઝરણા,
પૂરો બેડીમાં હૃદય હૃદય પર,
નરતંતા પ્રભુ ચરણા,
પૂર મૂકી મોકળાં ગાશું રે..

બાળક હાલરડા માગે ને,
યૌવન રસભર પ્યાલા,
પ્રૌઢ ભજન ભણકાર ચહે,
આપે કોઈ મતવાલા,
અમે દિલ દિલ ને કંઈ પાશું રે..