તમોને ભેટ ધરવા – અમૃત ‘ઘાયલ’

આલ્બમ: અમૃત

સ્વર: મનહર ઉધાસ



“ભૂલાતી પ્રેમ મસ્તીની કહાની લઈને આવ્યો છું,
કલાપી કાલની અંતિમ નિશાની લઈને આવ્યો છું;
કદી ગઝલોય સાંભળવી ઘટે સાહિત્ય સ્વામીઓ,
નહીં માનો હું એ રંગીન વાણી લઈને આવ્યો છું.”

તમોને ભેટ ધરવા ભરજવાની લઈને આવ્યો છું,
મઝાના દિ અને રાતો મઝાની લઈને આવ્યો છું.

બધાને એમ લાગે છે મરું છું જાણી જોઈને,
કલા એવી જ કંઈ હું જીવવાની લઈને આવ્યો છું.

કહો તો રોઈ દેખાડું, કહો તો ગાઈ દેખાડું,
નજરમાં બેઉ શક્તિઓ હું છાની લઈને આવ્યો છું.

નથી સંતાપ છો ખૂબી નથી એકેય અમારામાં,
મને સંતોષ છે હું ખાનદાની લઈને આવ્યો છું.

મને ડર છે કહીં બરબાદ ના જીવન કરી નાખે,
કે હું એ હાથમાં રેખા કલાની લઈને આવ્યો છું.

સિતારા સાંભળે છે શાંત ચીત્તે રાતભર ‘ઘાયલ’
ઉદાસા કો’ મંહી એવી કહાની લઈને આવ્યો છું.