હું વરસું છું – રાજેન્દ્ર શુક્લ

આલ્બમ: અન્ય

સ્વર: રેખા ત્રિવેદી, સુરેશ જોશી



હું વરસું છું , તું વરસે છે,
વચમાં નભ આખું વરસે છે.

એક ઘડી ઓરું વરસે છે,
એક ઘડી આઘું વરસે છે.

સાથે સાથે ને સંગાથે,
કેવું સહિયારું વરસે છે.

અમથું અમથું પૂર ન આવે,
નક્કી કોક છાનું વરસે છે.

વરસે મોતી માંડ પરોવું,
સૂત્ર , સોઈ, નાકું વરસે છે.

વરસી વરસી વહી જતુ જે,
તેજ ફરી પાછું વરસે છે.

નખશિખ સહુ તરબોળ ભીંજાયા,
શબ્દો ક્યા પાંખું વરસે છે ?