આ આદિ-અંતની સંતાકૂકડી – અવિનાશ વ્યાસ

આલ્બમ: અમર સદા અવિનાશ

સ્વર: શ્યામલ મુન્શી



આ આદિ-અંતની સંતાકૂકડીમાં હું જેની સાથે આથડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.

માને ખોળે પડી આંખ ઉઘડી આંખો સામે જે ખડું,
પ્રથમ પગથિયે જાત ઝુલાવે ઘોડિયું તે લાકડું.
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.

બાળપણામાં ભૂખના દુ:ખે રડતું મનનું માંકડું,
ત્યારે ધાવણીના રૂપમાં માડી મુખમાં મૂકે લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.

પા પા પગલી ભરતાં ભરતાં ઘડી ચાલું ને ઘડી પડું,
કેમ ચાલવું જગમાં શીખવે ઠેલણગાડી લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.

કંકુ શ્રીફળ માણેકસ્તંભ માંડવો, ચતુર પંખનું પાંદડું,
કહેશે ક્યારે કોની સાથે નથી સંકળાયું લાકડું.
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.

ઓશિયાળા એશીં વર્ષે જ્યારે અંગ બને છે વાંકડું,
ઘડપણનો સથવારો હાથે લાકડીએ લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.

સંગ સુનારી નારી અહીં રહી રડતી કેવળ રાંકડું,
સંગ સૂતું ચિતાની સાથે ભવભવનો સાથી લાકડું,
આજ મારા શબદનો શણગાર થાતું લાકડું.