આલ્બમ: નરસિંહ મેહતા
સ્વર: ઉદય મઝુમદાર
ભૂતળ ભક્તિ પદારથ મોટું, બ્રહ્મલોકમાં નાહીં રે;
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાસી માંહી રે. ભૂતળ ભક્તિ..
હરિના જન તો મુક્તિ ન જાચે, જાચે જન્મોજનમ અવતાર રે;
નિત્ય સેવા, નિત્ય કીર્તન-ઓચ્છવ, નીરખવા નંદકુમાર રે. ભૂતળ ભક્તિ..
ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે;
ધન્ય ધન્ય એનાં માતપિતાને, સફળ કરી એણે કાયા રે. ભૂતળ ભક્તિ..
ધન્ય વૃંદાવન, ધન્ય એ લીલા, ધન્ય એ વ્રજનાં વાસી રે;
અષ્ટ મહાસિદ્ધિ આંગણિયે રે ઊભી, મુક્તિ થઈ રહી દાસી રે. ભૂતળ ભક્તિ..
એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુકજોગી રે;
કાંઈએક જાણે વ્રજની વનિતા : ભણે નરસૈયો ભોગી રે. ભૂતળ ભક્તિ..