આલ્બમ: પાંદડું લીલુંને રંગ રાતો

સ્વર: નિશા ઉપાધ્યાય, પ્રફુલ્લ દવે



મારે આંગણીયે તલાવડી, છબછબીયા પાણી
એમાં તે અણવર લપસ્યો રે એની કેડ લચકાણી

વેવાઇને માંડવે વેવલી રે એની આંખ છે કાંણી
નદીએ ના’વા ગઇતી રે એને દેડકે તાણી

દોડજો છોકરા દોડજો એની કેડ લચકાણી
ગોળને બદલે ખોળ દ્યો રે એની કેડ લચકાણી

અણવીતરી તો એવી એની અવળી વાણી
એણે ચોરીને ચિભડું ખાધુ રે
એણે ચોરીને ચુરમું ખાધુ રે
એણે ચોરીને ચટણી ચાખી રે
ખાઉ ખાઉ કરતી ફરતી રે, જાણે ભેંસની ભાણી

ઓલ્યા અણવરને જાનમાંથી કાઢો રે હું તો લાજી મરું
એના હાથ હિડંબા જેવા, એના પગ હિડંબા જેવા
એનું માથુ બુજારા જેવું, હું તો લાજી મરું

ઓલી વેવલીને માંડવેથી કાઢો રે હું તો લાજી મરું
એનું નાક નળીયા જેવું, એનો ફાંદો ફળીયા જેવો
એલી કાળીનો કાંકરો કાઢો રે હું તો લાજી મરું

તું થોડું જમજે રે કે અણવર અધરાયો
તારા પેટડામાં દુખશે રે કે અણવર અધરાયો
એક આંકડાની ડાળ, એક લીંબડાની ડાળ
માંયે લસણ કળી, માંયે થેલમ વડી
માંયે મરચું મેલો રે કે અણવર અધરાયો

તને રાંધતા આવડે નહી કે વેવલી વંઠેલી
તુ તો શીરા મા નાખે દહીં કે વેવલી વંઠેલી
પુરણપોળી કરી છાશમા બોળી
તુ તો મીઠે મોળી,પાછી થાય છે ભોળી
તને વેચે તો મળે ન પાઇ કે વેવલી વંઠેલી

તું થોડું જમજે રે કે અણવર અધરાયો
તને રાંધતા આવડે નહી કે વેવલી વંઠેલી