આલ્બમ: આકાર
સ્વર: મનહર ઉધાસ
કંઇ ક્યારનો આમ જ મુગ્ધ બની આ મીનાબજારે ઉભો છું
લાગી છે કતારો નજરો ની, નજરો ની કતારે ઉભો છું.
આ તારી ગલીથી ઉઠી જવું સાચે જ નથી મુશ્કેલ કિન્તુ,
તું સાંભળશે તો શું કહેશે બસ એજ વિચારે ઉભો છું.
સમજાતું નથી કંઇ ક્યાંથી મને આ આવુ લાગ્યું છે ઘેલું,
જાકારો મળ્યો તો જ્યાં સાંજે ત્યાં આવી સવારે ઉભો છું.
જોયા છે ઘણાં ને મેં ‘ઘાયલ’ આ ટોચેથી ફેંકાઇ જતાં,
એકાદ ઘડી આ તો એમજ આવીને મિનારે ઉભો છું.