પ્રસ્તાવના: તુષાર શુક્લ
સ્વર: કાગબાપુ
0:00 / 0:00
રામનું રૂપ ધરું ત્યાં એવા સંકલ્પ આવે
મારા મનડાને મૂંઝાવે
ભાઈ કુબેર ને જઈ માનવું જી
એની ગાદીએ આવે
લંકા નગરી રૂપ ધરીને
મને વનનો માર્ગ બતાવે
રામનું રૂપ ધરું…
ધાઈ ધૂતીને ધન ભેળું કીધું
મારા દિલડાંને એ ડરાવે
પાપ બધાંય જુઓ પરગટ બોલે મારાં
મારાં આત્માને અકળાવે
રામનું રૂપ ધરું…
વિભીષણની રે હાચીએ વાતું
મારી પાંપણે પાણી પડાવે
પ્રેમ પોતાની પોથી ઉઘાડી
મને ભરતનો પાઠ ભણાવે
રામનું રૂપ ધરું…
મંદોદરીની વાતુંના તણખા
મારાં તનમાં તાપ તપાવે
મારી કરણી મૂર્તિ તારી
મારાં રુદિયાને રોવરાવે
રામનું રૂપ ધરું…
ખોટો ખોટો હું જ્યાં રામ બનું
ત્યાં ઓલો રામ રુદિયામાં આવે
‘કાગ’ સીતાજી મને માવડી ભાસે
મારું રાવણપણું રીસાવે
રામનું રૂપ ધરું…