અમે આંધી વચ્ચે – ભગવતીકુમાર શર્મા

આલ્બમ: સમન્વય ૨૦૦૬

સ્વરકાર: નયનેશ જાની

સ્વર: નયનેશ જાની



અમે આંધી વચ્ચે તણખલાંના માણસ,
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

ફટાણાંના માણસ, મરસિયાના માણસ,
અમે વારસાગત સમસ્યાના માણસ.

કદીથી સદીની અનિદ્રાના માણસ,
પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.

અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ,
સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.

શિખર ખીણ ધુમ્મસ સૂરજ કે કશું નૈં?
ટુ બી-નૉટ ટુ બી ની હા-ના ના માણસ.

મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે,
હતા આપણે મૂળ તડકાના માણસ.