હરિ વરસે તો પલળું – સંદીપ ભાટીયા

આલ્બમ: સમન્વય ૨૦૦૫

સ્વર: ઝરણા વ્યાસ



સખીરી હરિ વરસે તો પલળું,
લખલખ ચોમાસામાં કોરું મીણનું મારું દલડું.
હરિ વરસે તો પલળું.

હરિ મારો ઉનાળો ને હરિ વાય તો ટાઢ,
હરિથી આંખ્યું ભરી ભરી ને હરિ વહે તે બાઢ.
તુલસીદળ કે અશ્રુબિંદુ હરિ નમાવે પલડું,
હરિ વરસે તો પલળું.

હરિ ધધખતા સ્મરણ કલમ ને હરિ શાહી ને કાગળ,
હરિ લખ્યું ત્યાં શબ્દો ખૂટ્યા હવે લખું શું આગળ.
હરિ કનડતા ના વરસી હું કોરી રહીને કનડું,
હરિ વરસે તો પલળું.