કવિતાએ શું કરવાનું હોય? – રમેશ પારેખ

પઠન: અંકિત ત્રિવેદી



કવિતા
શિયાળું રાત્રિએ તાપણું પેટાવે,
ઝાડને ગળચટ્ટી છાંયડી પાડતાં
શીખવે ઉનાળામાં,
ચોમાસામાં કહે વરસાદને –
ખાબકી પડ!

શું શું બનવાનું હોય કવિતાએ?
કાચ સાંધવાનું રેણ?
ભૂખ્યાનું અન્ન?
અનિદ્રાના દરદીની ઊંઘ?
સૈનિકના ઘાવ પર પાટો?
હા!

શિશુના કલશોરનો ઉત્સવ ઉજવવાનો હોય,
ચુંબનતરસ્યાં ફૂલો માટે પતંગિયા બનવાનું હોય,
માતાના સ્તનમાં દૂધ બનવાનું હોય,
શયનખંડના શુષ્ક એકાંતમાં
મધુર ઐક્ય રચવાનું હોય કવિતાએ.

કવિતાએ શું કરવાનું હોય?

જ્યાં ઈશ્વરનાં હાથ ન પહોંચે
ત્યાં પંહોચવાનું હોય કવિતાએ.

– એ બધું તો ખરું જ,
પણ સૌથી મોટું કામ એ કે
તેણે આખું ગામ ઊંઘતું હોય ત્યારે
જગાડવાનો હોય કવિને..