મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો..



મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો,
માં તારો સોના રૂપાનો બાજોઠીયો.

પહેલી પોળમાં પેસતાં રે સામાં સોનીડાના હાટ જો
સોનીડો લાવે રૂડાં ઝૂમણાં રે મારી અંબામાને કાજ જો.
અંબિકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ..
મેડીએ મેલ્યો..

બીજી તે પોળમાં પેસતાં રે સામાં વાણીડાના હાટ જો,
વાણીડો લાવે રૂડી ચૂંદડી રે મારી બહુચરમાને કાજ જો.
બહુચરા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ..
મેડીએ મેલ્યો..

ત્રીજી તે પોળમાં પેસતા રે સામાં મણીયારાના હાટ જો,
મણીયારા લાવે રૂડી ચૂડલી રે મારી કાળકામાને કાજ જો.
કાળકા તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ..
મેડીએ મેલ્યો..

ચોથી તે પોળમાં પેસતાં રે સામાં માળીડાના હાટ જો,
માળીડો લાવે રૂડાં ગજરા રે મારી રાંદલમાને કાજ જો.
રાંદલ તારા તે ચોકમાં ઉડે અબીલ ગુલાલ..
મેડીએ મેલ્યો..