મારા સપનામાં આવ્યા હરિ – રમેશ પારેખ

આલ્બમ: સમન્વય ૨૦૦૮



મારા સપનામાં આવ્યા હરિ,
મને બોલાવી, ઝુલાવી, વ્હાલી કરી.
મારા સપનામાં આવ્યા હરિ.

સામે મરકત મરકત ઊભાં,
મારી મનની દ્વારિકાના સૂબા;
મારા આંસુને લૂછ્યા જરી,
મારા સપનામાં આવ્યા હરિ.

આંધણ મેલ્યાં મેં કરવા કંસાર,
એમાં ઓરી દીધો મેં સંસાર;
હરિ બોલ્યા ‘અરે બ્હાવરી’,
મારા આંસુને લૂછ્યા જરી,
મારા સપનામાં આવ્યા હરિ.