રૂપ કૈફી હતું – શોભિત દેસાઇ

સ્વર: પંકજ ઉધાસ



“બચ્યા છે કેટલાં એ શબ્દ પણ ગણી લઉં છું
છૂટો પડું છું ને ખુદની સિલક ગણી લઉં છું
ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકા
તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં છું”

રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતી
મન મહેકતું હતું, ભીના કંપન હતા, એની સાથે મુલાકાત પહેલી હતી

આંખમાં એક દરિયો છુપાયો હતો, પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો
છોકરી મારી સામે જે બેઠી હતી, ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી

મીઠી મુંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો, તો હતો મૌનનો આશરો
એણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું, જિંદગી એક પળમાં ઉકેલી હતી

જોતજોતામાં બસ એ રિસાઇ ગઈ, પણ દૂર જઈ ના શકી મારાથી એ
ફેરવી તો લીધું મોઢું છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી