0:00 / 0:00
હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠા,
લેસન પડતું મૂકી, ફિલમ ફિલમ રમવા બેઠા.
મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી,
પડદો બાંધી અમે બનાવી ફિલમ એની મૂંગી.
દાદાજીના ચશ્માંમાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર પાંચ.
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ.
કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક.
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતા ચંદુડીયાએ બુમાબુમ જગાવી.
દોડમદોડા ઉપર આવી પહોંચ્યા મમ્મી-પપ્પા,
ચંદુડીયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા.