આંખ તો મારી આથમી – સુરેશ દલાલ

આલ્બમ: સમન્વય ૨૦૦૫

સ્વરકાર: આશિત દેસાઈ

સ્વર: આશિત દેસાઈ

આંખ તો મારી આથમી રહી, કાનના કુવા ખાલી,
એક પછી એક ઇન્દ્રિય કહે હમણા હું તો ચાલી ચાલી.

શ્વાસના થાક્યા વણઝારાનો નાથી છૂટે નાતો,
ચીમળાયેલી ચામડીને હવે સ્પર્શ નાકથી વર્તાતો.
સુક્કા હોઠની પાસે રાખો ગંગાજળને ઝાલી,
એક પછી એક ઇન્દ્રિય કહે હમણા હું તો ચાલી ચાલી.

નસનાં ઘોરી રસ્તા તૂટ્યાં, લોહીનો ડૂબે લય,
સ્મરણમાં કાઈ કશું નહીં, વહી ગયેલી વય.
પંખી ઉડ્યું જાય ને પછી કંપે જરી ડાળી,
એક પછી એક ઇન્દ્રિય કહે હમણા હું તો ચાલી ચાલી.